ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વડોદરામાં બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો બંધ, 2500 વિદ્યાર્થીઓને અસર

Granted Schools Closed  :  વડોદરા શહેરમાં (Vadodara) છેલ્લા બે વર્ષમાં સાત ગ્રાન્ટેડ સ્કૂલો (Granted Schools) બંધ થઈ જતાં અંદાજે 2500 વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. આ સ્કૂલો બંધ થવાના કારણે 30 શિક્ષકો ફાજલ થયા હતા, જેમને અન્ય શાળાઓમાં નિમણૂક આપવામાં આવી છે. જોકે, સૌથી વધુ મુશ્કેલી આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પડી છે.

બંધ થયેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે ખાનગી શાળાઓમાં અથવા ઘરથી દૂર આવેલી અન્ય ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ લેવાની ફરજ પડી છે. આ સ્થિતિને પગલે ગ્રાન્ટેડ શાળાઓના ભવિષ્ય અને ગુજરાતી માધ્યમના શિક્ષણ અંગે સવાલો ઊભા થયા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ખાનગી શાળાઓના વધતા પ્રભાવ વચ્ચે ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ કથળી

શૈક્ષણિક વર્તુળોમાં એવી ચર્ચા છે કે વાલીઓ ગુજરાતી માધ્યમની ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને ભણાવવામાં ઓછો રસ દાખવી રહ્યા છે. બીજી તરફ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (DEO Office) દ્વારા આવી શાળાઓ ચાલુ રહે તે માટે પૂરતા પ્રયાસો થતા ન હોવાની પણ ચર્ચા છે.

કેટલાક કિસ્સાઓમાં એકસાથે ત્રણથી ચાર વર્ગો બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેના કારણે તબક્કાવાર વર્ગો બંધ થવાને બદલે આખી શાળા બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ હોવાનું કહેવાય છે. ઓછું પરિણામ ધરાવતી ગ્રાન્ટેડ શાળાઓનું પરિણામ સુધારવા કે શિક્ષકો માટે તાલીમ વર્કશોપ યોજવા જેવા પ્રયાસો પૂરતા પ્રમાણમાં થયા ન હોવાની પણ ચર્ચા શૈક્ષણિક ક્ષેત્રમાં થઈ રહી છે. દરમિયાન, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં મહેશ પાંડેને ઇન્ચાર્જ ડીઇઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની પાસે નવી રચાયેલી વડોદરા ગ્રામ્ય ડીઇઓ કચેરીનો ચાર્જ પણ છે.

વડોદરામાં બંધ થયેલી સાત ગ્રાન્ટેડ શાળાઓ

શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન બંધ થયેલી શાળાઓમાં નીચેની શાળાઓનો સમાવેશ થાય છે.

  • સહકાર વિદ્યાલય, ગોત્રી

  • ભારતી વિદ્યાલય, બરાનપુરા

  • વિદ્યા વિકાસ સ્કૂલ, સુભાનપુરા

  • શારદા મંદિર, સલાટવાડા

  • ક્રિષ્ણા વિદ્યાલય, વાસણા રોડ

  • મહર્ષિ અરવિંદ વિદ્યાલય, આજવા રોડ

  • જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ

વર્ગ ચાલુ રાખવા માટે વિદ્યાર્થીઓની લઘુતમ હાજરી જરૂરી

નિયમ મુજબ, શહેરી વિસ્તારમાં કોઈ વર્ગ ચાલુ રાખવા માટે સરેરાશ 36 વિદ્યાર્થીઓની હાજરી જરૂરી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા 24 વિદ્યાર્થીઓની છે. નિર્ધારિત સંખ્યા કરતાં ઓછી હાજરી હોય તો સંબંધિત વર્ગ બંધ કરવાની કાર્યવાહી થઈ શકે છે. ત્યારબાદ બાકી રહેલા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

એમ.સી. હાઈસ્કૂલના ચાર વર્ગો બંધ કરવાના આદેશ સામે અપીલ

વડોદરાની મરાઠી માધ્યમની એકમાત્ર ગ્રાન્ટેડ શાળા ગણાતી એમ.સી. હાઈસ્કૂલ (M.C. High School) પણ મુશ્કેલીમાં છે. વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા ઓછી હોવાના કારણે શાળાના ધોરણ 9થી 12ના ચાર વર્ગો બંધ કરવાનો આદેશ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આપવામાં આવ્યો છે. આ આદેશ સામે શાળાના સંચાલકોએ શાળા કમિશનરની કચેરીમાં અપીલ કરી છે. સંચાલકો દ્વારા વર્ગો ચાલુ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ એકસાથે ચાર વર્ગો બંધ કરવાના આદેશથી શૈક્ષણિક વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. એમ.સી. હાઈસ્કૂલ વડોદરાના શૈક્ષણિક વારસાનું પ્રતીક ગણાય છે. જોકે, શાળાના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં અહીં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને માત્ર 77 રહી ગઈ છે.

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓના 18 વર્ગો બંધ

સાત શાળાઓ બંધ થવાની સાથે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શહેર અને જિલ્લામાં આવેલી વિવિધ ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 9થી 12ના કુલ 18 વર્ગો પણ બંધ થયા છે. દર વર્ષે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વર્ગો બંધ કરવા અંગે શાળાઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવે છે. આ વર્ષે દરખાસ્ત રજૂ કરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ હતી. મળતી માહિતી મુજબ, શહેર અને જિલ્લામાંથી 18 વર્ગો બંધ કરવા માટે દરખાસ્તો મળી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.

આ સ્થિતિને પગલે ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટતી વિદ્યાર્થી સંખ્યા, ગુજરાતી અને મરાઠી માધ્યમના શિક્ષણનું ભવિષ્ય તથા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને મળતી શિક્ષણની તકો અંગે ચર્ચા તેજ બની છે.

Back to top button