ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો “ગંદો” ધંધો

  • એક વ્યક્તિ વર્ષમાં બે-ત્રણ વાર ક્લિનિક્લ ટ્રાયલમાં ભાગ લઇ શકે
  • કેટલીક ફાર્મા કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ થકી ગુજરાતમાં કાળી કમાણી કરે છે
  • એજન્ટોને વ્યક્તિ દીઠ મસમોટું કમિશન ચૂકવાય છે

ફાર્મા ઉદ્યોગમાં ગુજરાતનું એક તરફ વર્ચસ્વ વધતું જાય છે, ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો ધંધો બેફામ વધ્યો છે.

કેટલીક ફાર્મા કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ થકી ગુજરાતમાં કાળી કમાણી કરે છે

ગરીબી અને બેરોજગારીથી પીડાતા યુવાઓ જ નહીં, પરંતુ મહિલાઓ પણ કેન્સર, માનસિક રોગ સહિતની દવાઓના ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈને પૈસા કમાવવા મજબૂર બની છે. છેલ્લાં ઘણાં સમયથી કેટલીક ફાર્મા કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ થકી ગુજરાતમાં કાળી કમાણી કરી રહી હોવાનું સામે આવ્યું છે.

ફાર્મા કંપનીઓએ વિદેશમાં ક્લિનિકલ ટ્રાયલ મોંઘા પડે છે

ફાર્મા કંપનીઓએ વિદેશમાં ક્લિનિકલ ટ્રાયલ મોંઘા પડે છે કારણ કે, ત્યાં લોકજાગૃતિ છે. એટલે વૉલિયન્ટર્સને મોં માગ્યા પૈસા આપવા પડે છે. આ ઉપરાંત વૉલિયન્ટરને જોઇતી સુવિધા પણ આપવી પડે છે. જો કે, ભારતમાં ઊલટી સ્થિતિ છે. અહીં તો ગરીબાઈ અને બેરોજગારીથી કંટાળીને અનેક લોકો સામે ચાલીને ક્લિનિકલ ટ્રાયલ કરાવવા જાય છે. છેલ્લાં ઘણાં વખતથી ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાં બેરોજગાર પુરુષો કરતાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે, જે ચિંતાનો વિષય છે.

એજન્ટોને વ્યક્તિ દીઠ મસમોટું કમિશન ચૂકવાય છે

ક્રાઇમ બ્રાન્ચે ક્લિનિક્લ ટ્રાયલ મુદ્દે વેદા ક્લિનિક્લ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ અને લેમડા થેરાપ્યુટિક રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડમાં તપાસ કરતાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રોજનું કમાઇને રોજનું ખાનારા ગરીબ પરિવારો આવા રિસર્ચ સેન્ટરોના એજન્ટોના નિશાને હોય છે. એજન્ટોને વ્યક્તિ દીઠ મસમોટું કમિશન ચૂકવાય છે. એજન્ટો પૈસાની લાલચ આપીને આવા લોકોને રિસર્ચ સેન્ટરો સુધી લાવે છે.

એક વ્યક્તિ વર્ષમાં બે-ત્રણ વાર ક્લિનિક્લ ટ્રાયલમાં ભાગ લઇ શકે

સામાન્ય રીતે એક વ્યક્તિ વર્ષમાં બે-ત્રણ વાર ક્લિનિક્લ ટ્રાયલમાં ભાગ લઇ શકે, પરંતુ આ બંને કંપનીમાં એક જ વ્યક્તિ 20-20 વખત ક્લિનિકલ ટ્રાયલ કરાવી ચૂક્યાં છે. આટલા બધા ક્લિનિકલ ટ્રાયલ કરાવતા લોકોને દવાની આડ અસર થાય તો સારવાર આપીને ઘરભેગા કરી દેવાય છે અને વળતર પણ અપાતું નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની વિદાયમાં વિલંબ, જાણો હવામાન વિભાગની વરસાદની આગાહી

Back to top button