10 વર્ષની રાહનો અંત, ભારતમાં લોન્ચ થયું Apple Pay, પણ હાલ છે એક મોટો પેંચ

Apple Pay Launched in India : ભારતમાં આઇફોન (iPhone) યુઝર્સ માટે આખરે રાહનો અંત આવ્યો છે. ટેક જાયન્ટ Apple દ્વારા તેની પેમેન્ટ સર્વિસ Apple Pay ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. હવે iPhone, iPad અને Apple Watch યુઝર્સ પોતાના પાત્ર (Eligible) કાર્ડને Apple Walletમાં ઉમેરીને સ્ટોર, એપ અને વેબસાઇટ પર પેમેન્ટ કરી શકશે. Mac માટે Apple Pay સપોર્ટ પાછળથી લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 2014થી Apple Pay સર્વિસ ઉપલબ્ધ છે, પરંતુ ભારતમાં તેને હવે રજૂ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારતમાં Apple Payની એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે દેશમાં ડિજિટલ પેમેન્ટનો મોટો હિસ્સો UPI પાસે છે. તેવામાં સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ફોનથી QR કોડ સ્કેન કરીને થોડી જ સેકન્ડમાં પેમેન્ટ થઈ જાય છે, ત્યારે Apple Pay ભારતમાં શું નવું લઈને આવ્યું છે? તેનો જવાબ છે – કાર્ડને ફોનમાં સુરક્ષિત રાખવાની અને કાર્ડ બહાર કાઢ્યા વગર સીધા ફોન કે Apple Watchથી પેમેન્ટ કરવાની સુવિધા.
હવે ખિસ્સામાંથી કાર્ડ કાઢવાની જરૂર નહીં રહે
Apple Payનો સૌથી સરળ ઉપયોગ દુકાનો કે સ્ટોર્સ પર થશે. જો તમારી પાસે સપોર્ટેડ કાર્ડ છે અને દુકાનનું મશીન NFC (કોન્ટેક્ટલેસ પેમેન્ટ) સ્વીકારે છે, તો કાર્ડ કાઢવાને બદલે iPhone કે Apple Watchને મશીન નજીક લઈ જવાનું રહેશે. નોંધનીય છે કે, સેમસંગ આ ફીચર ભારતમાં ઘણા વર્ષોથી આપી રહ્યું છે, તેથી આ કોઈ નવી ટેકનોલોજી નથી, માત્ર એપલે તેને ભારતમાં હવે લોન્ચ કરી છે.
iPhone પર સાઇડ બટન બે વાર દબાવીને Face ID અથવા પાસકોડથી વેરિફિકેશન પૂરું કરી શકાય છે. ત્યારબાદ ફોનને પેમેન્ટ મશીન નજીક લઈ જતા જ પેમેન્ટ થઈ જશે. Appleના જણાવ્યા અનુસાર, સ્ટોર પર પેમેન્ટ કરતી વખતે દર વખતે કાર્ડ નંબર, પીન કે ઓટીપી (OTP) નાખવાની જરૂર નહીં રહે. એટલે કે Apple Payનો હેતુ UPIની જેમ QR કોડ સ્કેન કરવાનો નથી. આ તમારા કાર્ડને ડિજિટલ સ્વરૂપે ફોનની અંદર રાખવાની અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે ઉપયોગ કરવાની એક પદ્ધતિ છે.
આ પણ વાંચોઃ 22 વર્ષ પછી ‘કોફી વિથ કરણ’ને અલવિદા? કરણ જોહરે કહ્યું- ‘એક કપ કોફી પીવા આવો’
હાલમાં તમામ કાર્ડ કામ નહીં કરે
ભારતમાં લોન્ચિંગ સમયે Apple Payની સૌથી મોટી મર્યાદા એ છે કે શરૂઆતમાં તે તમામ બેંકો અને તમામ પ્રકારના કાર્ડ માટે ઉપલબ્ધ નથી. હાલમાં માત્ર સપોર્ટેડ Axis Bankના Visa અને Mastercard ક્રેડિટ કાર્ડને એપલ વોલેટમાં ઉમેરી શકાય છે. એપલે જણાવ્યું છે કે આગળ જતાં વધુ બેંકો અને કાર્ડ્સ તેમાં ઉમેરવામાં આવશે.
ધ્યાન આપવાની બાબત એ પણ છે કે શરૂઆતમાં RuPay કાર્ડ અને UPI પેમેન્ટનો સપોર્ટ નથી. એટલે કે જો તમે રોજિંદા પેમેન્ટ માટે UPIનો ઉપયોગ કરો છો, તો Apple Pay હાલમાં તેનો વિકલ્પ બની શકશે નહીં.
UPI સામે Apple Payનો અસલી પડકાર
ભારતમાં Apple Payની કહાની અન્ય દેશો કરતાં થોડી અલગ છે. અમેરિકા અને અન્ય દેશોમાં મોબાઇલ વોલેટનો ઉપયોગ સામાન્ય છે, પરંતુ ભારતમાં UPI એ લોકોની પેમેન્ટ કરવાની આદત જ બદલી નાખી છે. અહીં નાના દુકાનદારથી લઈને મોટા સ્ટોર સુધી QR કોડ ઉપલબ્ધ છે અને ગ્રાહક સીધા બેંક એકાઉન્ટમાંથી પૈસા મોકલી શકે છે.
Apple Payનું મોડલ અલગ છે. તેમાં કાર્ડને Apple Walletમાં એડ કરીને કાર્ડ બેઝ્ડ પેમેન્ટ કરવામાં આવે છે. તેથી તેનો પ્રાથમિક ફોકસ એવા લોકો પર હોઈ શકે છે જેઓ ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરે છે અને કોન્ટેક્ટલેસ પેમેન્ટનો ઉપયોગ કરવા માગે છે.
ઓનલાઇન શોપિંગમાં પણ કામ લાગશે
Apple Payનો ઉપયોગ એપ્લિકેશન અને વેબસાઇટ પર પણ પેમેન્ટ માટે કરી શકાશે. તેનાથી દર વખતે કાર્ડ નંબર કે એક્સપાયરી ડેટ ભરવાની જરૂરિયાત ઘટી જશે. આ માટે Apple એ Cashfree, JusPay, Mswipe, Paytm, PayU, Pine Labs, Razorpay અને Worldline જેવી પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.
કયા iPhoneમાં ચાલશે?
Apple Payનો ઉપયોગ કરવા માટે ભારતમાં iPhone XR અથવા તેના પછીના મોડેલ અને iOS 18 કે તે પછીનું સોફ્ટવેર હોવું જરૂરી છે. Apple Watch માટે Series 6 કે તે પછીનું મોડેલ અને watchOS 11 કે તે પછીનું સોફ્ટવેર જોઈશે.
Apple Walletમાં કાર્ડ કેવી રીતે ઉમેરવું?
તમારી પાસે સપોર્ટેડ કાર્ડ હોય તો iPhoneની Wallet એપ ખોલીને ‘Add Card’ પર જઈ કાર્ડની વિગતો ઉમેરવાની રહેશે. બેંક તરફથી વધારાનું વેરિફિકેશન પૂર્ણ કર્યા બાદ કાર્ડ સક્રિય થઈ જશે.
આ પણ વાંચોઃ Blue Drum Case: મેરઠ બ્લુ ડ્રમ કેસમાં મોટો ચુકાદો, મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર











