Blue Drum Case: મેરઠ બ્લુ ડ્રમ કેસમાં મોટો ચુકાદો, મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર
Blue Drum Case : ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારે ચકચાર મચાવનારા સૌરભ રાજપૂત હત્યા કેસ (નીલા ડ્રમ કેસ) માં કોર્ટે મોટો ચુકાદો આપતાં મૃતકની પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને હત્યાના દોષિત ઠેરવ્યા છે. લગભગ 19 મહિના સુધી ચાલેલી લાંબી કાનૂની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. દોષિતોને શું સજા થશે તેની સત્તાવાર જાહેરાત 14 દિવસ પછી એટલે કે 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
સુનાવણી દરમિયાન બંને આરોપીઓ જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ચુકાદો સંભળાવતાં ન્યાયાધીશે મુસ્કાનને સંબોધીને કહ્યું કે, આવા ગંભીર ગુનાઓ સમાજમાં ડરનો માહોલ ઊભો કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
126 તારીખો, 22 સાક્ષીઓ અને 19 મહિનાની કાનૂની લડાઈ
સૌરભ રાજપૂત મર્ડર કેસમાં બંને આરોપીઓની ધરપકડ બાદ ટ્રાયલ દરમિયાન કોર્ટમાં કુલ 126 વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસમાં પ્રોસિક્યુશન તરફથી 22 મહત્વના સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે મુસ્કાન અને સાહિલને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવ્યા હતા.
પરિવારની માંગ: ‘ફાંસીથી ઓછી કોઈ સજા મંજૂર નથી’
મૃતક સૌરભ રાજપૂતના પરિવારે કોર્ટના આ નિર્ણય બાદ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ તેમની સ્પષ્ટ માંગણી છે કે બંને દોષિતોને ફાંસીની સજા મળવી જોઈએ. મૃતકના ભાઈ રાહુલે જણાવ્યું કે, તેમના ભાઈ સાથે જે ક્રૂરતા કરવામાં આવી છે, તેના માટે બંને આરોપીઓને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળવી જોઈએ. જો નીચલી અદાલત દ્વારા ફાંસી આપવામાં નહીં આવે તો તેઓ ન્યાય માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલુ રાખશે.
આ પણ વાંચો:SP રિંગ રોડની બિસમાર હાલતથી પૂર્વ અમદાવાદ ત્રસ્ત, સિક્સ-લેનનું સપનું હજુ અધૂરું
શું હતો સમગ્ર મામલો?
સૌરભ રાજપૂત મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા હતા અને વિદેશમાં રહેતા હતા. સૌરભ અને મુસ્કાનના પ્રેમ લગ્ન થયા હતા અને તેમને એક દીકરી પણ હતી. જોકે, સૌરભ વિદેશમાં હતા તે દરમિયાન ભારતમાં મુસ્કાનને સાહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ સૌરભને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. સૌરભ જ્યારે રજાઓમાં ઘરે આવ્યા ત્યારે ઊંઘની ગોળીઓ આપી તેમની હત્યા કરી દેવામાં આવી અને મૃતદેહને બ્લુ રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં છુપાવી દેવામાં આવ્યો હતો.
સૌરભ રાજપૂત હત્યાકાંડની ઘટનાક્રમ
સૌરભ ભારત પરત ફર્યા
24 ફેબ્રુઆરી 2025
લંડનથી નોકરી પતાવી સૌરભ રાજપૂત મેરઠ ખાતે પોતાના ઘરે પરિવાર સાથે રજાઓ ગાળવા આવ્યા.
જન્મદિવસની ઉજવણીઓ
25 – 28 ફેબ્રુઆરી 2025
25 ફેબ્રુઆરીએ પત્ની મુસ્કાનનો અને 28 ફેબ્રુઆરીએ પુત્રી પીહૂનો જન્મદિવસ પરિવાર સાથે હર્ષોલ્લાસથી ઉજવાયો.
ઊંઘની દવા આપી હત્યા
3 માર્ચ 2025
મુસ્કાને સૌરભને ભોજનમાં ઊંઘની દવા આપી દીધી. ત્યારબાદ પ્રેમી સાહિલને ઘરે બોલાવી બંનેએ મળીને સૌરભની હત્યા કરી નાખી.
પુત્રીને પિયર મૂકી ફરાર
4 માર્ચ 2025
મુસ્કાને પોતાની નાની દીકરીને પિયરમાં મુકી દીધી અને પ્રેમી સાહિલ સાથે શિમલા ફરવા નીકળી ગઈ.
ગુનાની કબૂલાત
17 માર્ચ 2025
શિમલાથી પરત આવીને મુસ્કાન પિયર ગઈ અને સમગ્ર ઘટના અંગે પરિવારજનો સમક્ષ ખુલાસો કર્યો.
મૃતદેહ મળ્યો અને ધરપકડ
18 માર્ચ 2025
પોલીસે સૌરભના ઘરમાંથી વાદળી ડ્રમમાં ભરેલો તેનો મૃતદેહ કબજે કર્યો અને મુસ્કાન તેમજ સાહિલ બંનેની ધરપકડ કરી.
આ પણ વાંચો:મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 6 રવિ પાકના MSPમાં થયો વધારો












