અમદાવાદ: આર્મી JCOના પુત્રનું અપહરણ કરાતા 5 કલાકની અંદર ક્રાઈમ બ્રાન્ચે કાર સાથે 3ને દબોચ્યા; પીડિતને હોસ્પિટલમાં સારવાર માટે મુકાયો

15 જુલાઇ 2025 અમદાવાદ: શહેરના બાપુનગર બ્રિજ પાસે 14 જુલાઇના મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પૈસાની લેતી દેતી મામલે નિવૃત્ત આર્મી જવાના દીકરાનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જે વાતની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતા માત્ર પાંચ કલાકની અંદર ત્રણ અપહરણકર્તાઓને નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ કાર સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મામલાને શાંત પાડવા આવેલા વચેટિયાને પણ લઈ ગયા
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે બાપુનગર વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરીને લઈ જવાયું હતો. ત્યારબાદ તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. અપહરણકર્તા ત્રણ લોકો હતા આ સમગ્ર ઘટના બની ત્યારે નિવૃત્ત આર્મીમેનના દીકરા સાથે એક વચેટીયો યુવક પણ આવ્યો હતો. જેમાં તેણે વચ્ચે વાત કરી તો આરોપીઓ તેનું અપહરણ કરીને પણ સાથે લઈને ગયા હતા. આ બનાવની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મહેન્દ્ર સાલુકેએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં પાંચ કલાકનો ઓપરેશન બાદ આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે યુવકને છોડાવ્યો હતો. તેમજ તપાસ કરતાં જાણવા મળ્યું કે અપહરણ કરીને નિવૃત આર્મી અધિકારીનાં દીકરાને એટલી હદે માર માર્યો હતો કે પીઠ પર સોળ પડી ગયા હતા.
અપહરણ થયેલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
અત્રે મહત્વનું છે કે જે વ્યક્તિનું અપહરણ થયું હતું તે આર્મીના નિવૃત્ત સુબેદારનો દીકરો હતો. જેનું સંજ્ઞાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા લેવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો પૈસાની લેતી દેતીનો હતો. જોકે અપરણ કરાયેલા યુવકને ગંભીર ઇજાઓ થતા હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.
આરોપીઓના નામ
હર્ષ અજયભાઈ ઠક્કર
(ઉંમર: 21 વર્ષ, વ્યવસાય: કાર રેન્ટલ સર્વિસ, રહે: ઇન્દ્રજીત સોસાયટી ઠક્કરનગર અમદાવાદ)
કરણ તરુણભાઈ નાયર
(ઉમર: 19 વર્ષ વ્યવસાય: વિદ્યાર્થી, રહે: અરવિંદનગર સોસાયટી બાપુનગર અમદાવાદ)
ક્રિપાલસિંહ ગોવિંદસિંહ વિહોલ
(ઉમર: 25 વર્ષ, વ્યવસાય: કાર રેન્ટલ સર્વિસ, રહે: ભક્તિનગર બાપુનગર અમદાવાદ)












