ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સરખેજ-ધોળકા રોડ પર ટ્રક અને આઈસર વચ્ચે ભયંકર ટક્કર, એકનું મોત

અમદાવાદ: સરખેજ-ધોળકા રોડ પર વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ એક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઇસરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને વાહનો વચ્ચેની અથડામણ એટલી જોરદાર હતી કે આઇસરની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાંગી ગયો હતો. ફાયર વિભાગ અને પોલીસની મદદથી કેબિન કાપીને મૃતદેહ બહાર કાઢવો પડ્યો હતો. ટ્રક ચાલકને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે.

અકસ્માતનું મુખ્ય કારણ: અવ્યવસ્થા અને અસુરક્ષા

આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ રોડનું નિર્માણ કાર્ય અને તેની સાથે જોડાયેલી અવ્યવસ્થા છે. બાકરોલ સર્કલથી ધોળકા તરફ જતો આ રોડ છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં 50થી 100 મીટરનો છેલ્લો ભાગ બાકી છે, જેને કારણે આશરે એક કિલોમીટર સુધીનો માર્ગ વન-વે કરવામાં આવ્યો છે.

નવા બનેલા 8 કિલોમીટરથી વધુ લાંબા આ ફોર-લેન આરસીસી રોડ પર ક્યાંય પણ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. માત્ર વિસલપુર ગામ પાસે જ બમ્પ (સ્પીડ બ્રેકર) બનાવવામાં આવ્યા છે. કાસીન્દ્રા ગામ પાસે સ્કૂલ અને નાના છાપરા જૈન દેરાસર હોવા છતાં ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.

સરપંચની ચિંતા અને ચેતવણી

કાસીન્દ્રા ગામના સરપંચે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હજારો વિદ્યાર્થીઓની અવરજવર ધરાવતી સ્કૂલ પાસે પણ કોઈ સાઇનબોર્ડ કે બમ્પ નથી. વાહનચાલકો બેફામ ઝડપે વાહનો દોડાવે છે, જેથી અકસ્માતનો સતત ભય રહે છે.

સરપંચે વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે ચેતવણી આપી છે કે જો વહેલી તકે સાઇન બોર્ડ અને સ્પીડ બ્રેકર નહીં લગાવવામાં આવે તો પંચાયતના બજેટમાંથી પ્લાસ્ટિકના બમ્પ લગાવવામાં આવશે.

આ પણ વાંચો: મેઘરાજાની વાપસી: ગુજરાતમાં લાંબા વિરામ પછી વરસાદે કરી ધમાકેદાર એન્ટ્રી!

Back to top button