અમદાવાદ: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી કરાયો ભવ્ય જળાભિષેક

અમદાવાદ 10 જૂન 2025: અમદાવાદમાં 27 જૂન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે, તે પહેલા આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ હતી. જેમાં સંતો, મહંતો, સ્થાનિકો અને રાજકીય નેતા જોડાયા હતા. 108 કળશમાં નદીમાંથી જળ મંદિરમાં લવાશે અને સાબરમતી નદીમાંથી જળ લાવી ભગવાન પર અભિષેક કરાશે. આજે જેઠ સુદ પુનમના દિવસે જળયાત્રાનું આયોજન કરાય છે.

પહેલીવાર એસી ક્રુઝની મદદથી પાણી લવાયું
જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓએ ક્રૂઝ પર સવાર થઈને સાબરમતી નદીની મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું હતું. પાણી લઈ ક્રૂઝ પરત ફર્યા બાદ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી.
આજથી 15 દિવસ ભગવાન મોસાળ સરસપુરમાં રોકાશે
આજે બપોર બાદ ભગવાનને મોસાળ સરસપુર લઇ જવાશે. આજથી 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાનાં મોસાળમાં રોકાશે. ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુર ખાતે આવેલું છે. સાંજે સરસપુર ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આંબેડકર હોલથી મંદિર સુધી બેન્ડવાજાં સાથે ભગવાનને બગીમાં બેસાડીને તેમનું વાજતે ગાજતે મોસાળમાં સ્વાગત કરવામાં આવશે. ભગવાન જગન્નાથના મામેરાનાં દર્શનમાં મંદિરની જગ્યા ખૂબ નાની પડતી હતી. જેથી ભક્તોને દર્શન કરવામાં તકલીફ પડતી હતી, પરંતુ ચાલુ વર્ષે હવે વધુ સંખ્યામાં ભક્તો મંદિરે શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બાજુનું મકાન ખરીદીને નવાં રંગરોગાન કરી 15થી 20 ફૂટ જેટલી જગ્યા મોટી કરવામાં આવી છે. ભગવાન આજથી 15 દિવસ માટે મામાના ઘરે હશે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે જશે. સરસપુરમાં અત્યારે ભગવાન આવ્યા હોવાના કારણે ઉત્સાહનો માહોલ છે.
ભગવાન જગન્નાથના મામેરાના દર્શન 22 જૂનના રોજ થશે
આ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાની શરૂઆત થઈ હતી અને બપોર બાદ ભગવાનનું મોસાળ સરસપુર લઇ જવાશે, 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે, ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવશે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, મંદિર તરફથી પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને ભકતોમાં પણ અનેરો ઉત્સાહ છે.

પુરીની જગન્નાથ યાત્રા પછી કોઈ પ્રખ્યાત જગન્નાથ યાત્રા હોય તો તે અમદાવાદની રથયાત્રા છે, ત્યારે આજે સવારે 8 વાગે બેન્ડવાજા, હાથી, ધજા પતાકા, ભજન મંડળી સાથે જમાલપુરના જગન્નાથ મંદિરથી શોભાયાત્રા નીકળશે અને મંદિરની પાછળના ભાગેથી સાબરમતી નદીના ભુદર ખાતે જળયાત્રા પહોંચશે, સાબરમતી નદીના કિનારે પૂજા વિધી કરવામાં આવશે, આ યાત્રામાં રાજકીય નેતાઓ અને શહેરના મેયર પણ જોડાશે. આ વિધી પૂર્ણ થયા બાદ અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે જશે.
આ પરંપરા દર વર્ષે રથયાત્રા પહેલા નિભાવવામાં આવે છે
ભગવાન વર્ષમાં એકવાર ગજવેશ ધારણ કરતા હોય છે, અને જળયાત્રાના દિવસે ભગવાનને આ ગજવેશ ધારણ કરાવવામાં આવશે. જળાભિષેક અને ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાનનો મહાપ્રસાદ યોજાશે. જળયાત્રા અને જળાભિષેક પૂર્ણ થયા બાદ, ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી સરસપુર ખાતે મામાના ઘરે જશે. આ પરંપરા દર વર્ષે રથયાત્રા પહેલા નિભાવવામાં આવે છે. અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ અવિચલદાસજી વિશેષ અતિથિ તરીકે રહેશે હાજર, જળયાત્રામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ હાજર રહેશે. કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો જળયાત્રામાં જોડાશે.
આ પણ વાંચો: રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી અપડેટ: ચારેય આરોપીઓએ ગુનો કબૂલ કર્યો, સોનમની આંખ સામે જ થયું હતું મર્ડર












