અમદાવાદમાં ચાર કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, સરખેજ-બોપલમાં 5.22 ઈંચ, પાંચ અંડરપાસ બંધ

Ahmedabad Rain: અમદાવાદમાં શુક્રવારની સવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે શરૂ થઈ હતી. સવારના 6થી 10 વાગ્યા દરમિયાન માત્ર ચાર કલાકમાં શહેરમાં સરેરાશ 2.77 ઈંચ એટલે કે 70.33 મિમી વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતાં નોકરી-ધંધા તેમજ શાળા-કોલેજે જતા નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકૃત આંકડા મુજબ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 3.52 ઈંચ એટલે કે 89.43 મિમી વરસાદ નોંધાયો છે. સરખેજ-બોપલ વિસ્તારમાં સૌથી વધુ 5.22 ઈંચ એટલે કે 132.50 મિમી વરસાદ ખાબક્યો હતો.
પશ્ચિમ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ
પશ્ચિમ ઝોનમાં સરેરાશ 3.33 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવરંગપુરામાં 4.29 ઈંચ જ્યારે વાસણામાં 4.13 ઈંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ઝોનમાં સરેરાશ 2.96 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેમાં કાલુપુર વિસ્તારમાં 3.74 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરેરાશ 2.94 ઈંચ અને બોડકદેવમાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ઝોનમાં સરેરાશ 2.81 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે લાંભામાં 3.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનમાં સરેરાશ 2.07 ઈંચ વરસાદ નોંધાયો હતો અને વિરાટનગરમાં 2.50 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ઝોનમાં શહેરની સરખામણીએ સૌથી ઓછો સરેરાશ 1.76 ઈંચ વરસાદ નોંધાયો હતો.
પાંચ અંડરપાસ બંધ, અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ
ટૂંકા સમયમાં બે ઈંચથી પાંચ ઈંચ સુધી વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે અખબારનગર, પરિમલ અને ઉસ્માનપુરા સહિત શહેરના પાંચ મુખ્ય અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.
વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. પરિણામે સવારના પીક અવર્સ દરમિયાન અનેક માર્ગો પર લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલ
ચાર કલાકના ભારે વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલ ઊભા થયા છે.
કરોડો રૂપિયાના ખર્ચે ગટર અને વરસાદી પાણીની લાઈનોની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવતી હોવા છતાં ભારે વરસાદ દરમિયાન મુખ્ય રસ્તા, અંડરપાસ અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્રની કામગીરી ચર્ચામાં આવી છે.
વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
અમદાવાદમાં સતત વરસાદ અને વાસણા બેરેજ ખાતે પાણીની આવક વધતાં સાબરમતી નદીની સપાટી 130 ફૂટે પહોંચી હતી. પાણીની આવકને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના કુલ 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજના 25થી 29 નંબરના દરવાજા ત્રણ ફૂટ સુધી જ્યારે 16થી 24 નંબરના દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી કુલ 21,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સિઝનનો કુલ વરસાદ 34.65 ઈંચ
શુક્રવાર સવારે પડેલા ધોધમાર વરસાદ બાદ અમદાવાદમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ વધીને 34.65 ઈંચ એટલે કે 880.06 મિમી થયો છે. આ વરસાદ ગત વર્ષની સરખામણીએ 96.25 ટકા જેટલો નોંધાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચાર કલાકમાં ઝોનવાર કેટલો વરસાદ?
- દક્ષિણ પશ્ચિમ ઝોન: 3.52 ઈંચ — સરખેજ-બોપલ 5.22 ઈંચ
- પશ્ચિમ ઝોન: 3.33 ઈંચ — નવરંગપુરા 4.29, વાસણા 4.13 ઈંચ
- મધ્ય ઝોન: 2.96 ઈંચ — કાલુપુર 3.74 ઈંચ
- ઉત્તર પશ્ચિમ ઝોન: 2.94 ઈંચ — બોડકદેવ 2.99 ઈંચ
- દક્ષિણ ઝોન: 2.81 ઈંચ — લાંભા 3.60 ઈંચ
- પૂર્વ ઝોન: 2.07 ઈંચ — વિરાટનગર 2.50 ઈંચ
- ઉત્તર ઝોન: 1.76 ઈંચ
આ પણ વાંચોઃ ગણપતિ વિસર્જનમાં ધનશ્રી વર્મા ભાવુક થઈ, બાપ્પાને વિદાય આપતાં છલકાઈ આંખો












