અમદાવાદ: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલના નિવાસસ્થાને CBIના દરોડા

- અમદાવાદના નિવાસસ્થાને આજે સીબીઆઈએ દરોડા પાડયા
- અમદાવાદના ઝૂંડાલ વિસ્તારમાં મોન્ટુ પટેલનો બંગલો આવેલો છે
- સ્થળતપાસ કર્યા વિના જ ઓનલાઈન ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપી
દેશના જુદા જુદા રાજ્યોમાં યોગ્ય માળખાકીય સુવિધા વિના ફાર્મસી કોલેજો ચાલુ કરવાની પરવાનગીઓ આપીને મોટો ભ્રષ્ટાચાર આચરવાના કૌભાંડમાં સંડોવાયેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાન પ્રમુખ અને અમદાવાદના વતની મોન્ટુ પટેલના અમદાવાદના નિવાસસ્થાને આજે સીબીઆઈએ દરોડા પાડયા છે. અમદાવાદના ઝૂંડાલ વિસ્તારમાં મોન્ટુ પટેલનો બંગલો આવેલો છે.
સ્થળતપાસ કર્યા વિના જ ઓનલાઈન ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપી
ત્રીસમી જૂન ૨૦૨૫ના સીબીઆઈના ઇન્સ્પેક્ટર પ્રતીક કુમારે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કોલેજોમાં ઊભી કરવામાં આવેલી માળખાકીય સુવિધાનું રૂબરૂમાં જઈને ઇન્સ્પેક્શન કરવાને બદલે ફિઝિકલ ઇન્સ્પેક્શનની સિસ્ટમને જ મોન્ટુ પટેલે કાઢી નાખી હતી. તેમ જ ફાર્મસી કોલેજ ચાલુ કરવા માગતી સંસ્થાઓના દસ્તાવેજોની પણ વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવી નહોતી.
કોલેજ ઓફ ફાર્મસીને આર્થિક ગેરલાભ લઈને મંજૂરી આપવામાં આવી
ઉત્તર પ્રદેશની એસએસડી કોલેજ ઓફ ફાર્મસી, અલીગઢના નૂરપૂરની ગગન કૉલેજ ઓફ ફાર્મસી, મુઝફ્ફરપુરની શાંતિદેવી જૈન ડિગ્રી કોલેજ, મધ્યપ્રદેશના ગ્વાલિયર નજીક રતવાઈની હેવાર્ડ કોલેજ ઓફ ફાર્મસી, ગોરખપુરની વીર શિવાજી કોલેજ ઓફ ફાર્મસી, ઘાઝીપુરની શુભાવતી કોલેજ ઓફ ફાર્મસીને આર્થિક ગેરલાભ લઈને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થળતપાસ કર્યા વિના જ ઓનલાઈન ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ રીતે કોલેજોને મંજૂરી આપી દઈને મોન્ટુ પટેલે અનડયૂ એડવાન્ટેજ લીધો હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સીબીઆઈ કોલેજોને માન્યતા આપવાના નિર્ણયો અંગે તપાસ કરશે
સીબીઆઈ કોલેજોને માન્યતા આપવાના નિર્ણયો અંગે તપાસ કરશે. તેમાં કોઈ અનિયમિતતા થઈ છે કે નહિ તેની ખરાઈ કરશે. આ કોલેજો પાસે ફાર્મસી કૉલેજ ચાલુ કરવા માટે પૂરતી સુવિધા ન હોવા છતાં તેને મંજૂરી આપવામાં આવેલી છે. મોન્ટુ પટેલ સામે ગુજરાત પબ્લિક સર્વિસ કમિસનની ફાઈલો સાથે ચેડાં કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાર્મસી કાઉન્સિલમાં ટોચની પોઝીશન મેળવવા માટે ટોચનું સ્થાન મેળવવા આ ગરબડ કરી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત: સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના MLAએ સવાલ ઉઠાવ્યા












