‘સેનાના બલિદાન કરતા પૈસાની લાલચ વધુ…’ આદિત્ય ઠાકરેએ BCCI પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્રઃ 15 ઓગસ્ટ, 2025: Aditya Thackeray: શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે (15 ઓગસ્ટ) એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચોને લઈને BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આખી દુનિયાને કહેવાનો ખૂબ પ્રયાસ કર્યો છે કે પહલગામ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે, પરંતુ ક્રિકેટ બોર્ડની પૈસાની લાલચ સશસ્ત્ર દળોના બલિદાનથી ઉપર છે.
BCCIની લાલચ સેનાના બલિદાન કરતા વધુ
આદિત્ય ઠાકરેએ કહ્યું કે, જો BCCI એવું વિચારે કે, તે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાયેલા શબ્દોથી પણ ઉપર છે, તો તે ખરેખર શરમજનક છે. કેન્દ્ર સરકારે દુનિયાને કહ્યું કે, પહલગામ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હતો, પરંતુ BCCIની લાલચ સેનાના બલિદાન, દેશ અને વડાપ્રધાનના કથનથી પણ ઉપર છે. જેમાં તેમણે કહ્યું હતું કે, લોહી અને પાણી એકસાથે નહીં વહે.
આદિત્ય ઠાકરેનો BCCI પર પ્રહાર
વધુમાં તેમણે કહ્યું કે, ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) માં BCCI પાસે આટલી બધી શક્તિ છે, છતાં એશિયા કપના નિયમોથી બંધાયેલા છીએ એમ કહેવું મજાક છે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થશે. જેમાં ભારત અને પાકિસ્તાનની બે હાઈ-પ્રોફાઈલ મેચ દુબઈમાં રમાશે. પહેલી મેચ 14 સપ્ટેમ્બરે રમાશે અને બીજી મેચ 21 સપ્ટેમ્બરે રમાય તેવી શક્યતા છે. ફાઇનલ 29 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આ ટુર્નામેન્ટ આગામી વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી માટે T20 ફોર્મેટમાં રમાશે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, આતંકવાદીઓ અને તેમને આશ્રય આપનારાઓ એક જ સમજવામાં આવશે અને ભારતીય સેના કોઈપણ અવળચંડાઇનો જડબાતોડ જવાબ આપશે.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતીય સેનાએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે અને ભારત હવે પાકિસ્તાનની પરમાણુ ધમકીને સહન નહીં કરે અને યોગ્ય જવાબ આપશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ-પુતિન બેઠકનું ભારત માટે કેટલું મહત્વ, શું અમેરિકન ટેરિફમાંથી રાહત મળવાની કોઈ શક્યતા?
આ પણ વાંચોઃ GST રીફોર્મ: હવે GSTમાં ફક્ત 5% અને 18% સ્લેબ રહેશે..! ટૂંક સમયમાં લેવાશે નિર્ણય?












