ગુજરાત

અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર દુર્ઘટના, ઊંચાઈ પરથી પટકાતા મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, શ્રમિકોનો ભારે હોબાળો

અમદાવાદ 28 ફેબ્રુઆરી 2026: અમદાવાદ શહેરમાં ચાલી રહેલા મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વટવા રિંગરોડ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રોજેક્ટ સાઇટ પર કામ કરી રહેલો એક મજૂર અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો, જેને કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય શ્રમિકો અને કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મજૂરની હાલત અત્યંત નાજુક જણાતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માત બાદ પ્રોજેક્ટમાં કામ કરતા અન્ય મજૂરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મજૂરોએ કામગીરી અટકાવી વટવા રિંગરોડ પર આવેલા ફ્લાયઓવરની નીચે એકત્ર થઈને ભારે હોબાળો મચાવ્યો હતો. શ્રમિકોનો આક્ષેપ છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં ઉંચાઈ પર કામ કરતી વખતે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે સેફ્ટી કીટ પૂરી પાડવામાં આવતી નથી. સુરક્ષાના સાધનોના અભાવે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી હોવાનો રોષ ઠાલવી મજૂરોએ કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દુર્ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં કામ કરતા હજારો શ્રમિકોની સુરક્ષા અને સલામતીના ધોરણો સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું મજૂરને સેફ્ટી બેલ્ટ કે અન્ય સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ, તે દિશામાં તપાસની માગ ઉઠી છે. હાલમાં પોલીસ અને પ્રોજેક્ટ અધિકારીઓ દ્વારા ઘટનાની વિગતો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સુરતના અડાજણમાં ઘરકંકાસમાં નિવૃત્ત એન્જિનર પતિએ પત્નીના માથામાં હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

Back to top button