અભિષેક શર્માની પિચ પર ગૌતમ ગંભીરનો ‘ગુરુમંત્ર’: શું 12 વર્ષ જૂનો ઈતિહાસ દોહરાવી શકશે આ યુવા ઓપનર?

નવી દિલ્હી: 22 ફેબ્રુઆરી, 2026: ટી20 વર્લ્ડ કપમાં સતત ત્રણ મેચમાં ‘ઝીરો’ પર આઉટ થયા બાદ અભિષેક શર્મા ટીકાકારોના નિશાના પર છે. જોકે, ક્રિકેટના ઈતિહાસમાં ખરાબ ફોર્મ બાદ શાનદાર વાપસીના ઘણા ઉદાહરણો છે, જેમાંથી સૌથી મોટું ઉદાહરણ વર્તમાન કોચ ગૌતમ ગંભીરનું છે. ચાહકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે અભિષેકે ગંભીરના સંઘર્ષ અને વાપસીમાંથી શીખવાની જરૂર છે.
ગંભીરનો એ કિસ્સો: 3 ડક બાદ ટીમને બનાવી હતી ચેમ્પિયન
બરાબર 12 વર્ષ પહેલા, IPL 2014માં ગૌતમ ગંભીરે સતત ત્રણ વાર શૂન્ય (Duck) પર આઉટ થઈને સિઝનની શરૂઆત કરી હતી. ત્યારે ગંભીરના ફોર્મ અને KKR ના નિર્ણય પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ ગંભીરે હાર ન માની, પોતાને બેક કર્યો અને તે જ સિઝનમાં 16 મેચમાં 335 રન બનાવીને KKR ને ચેમ્પિયન બનાવ્યું હતું. હવે આવી જ અપેક્ષા અભિષેક શર્મા પાસેથી રાખવામાં આવી રહી છે.
અભિષેકની પ્રમાણિકતા અને ટેકનિકલ સમસ્યા
અભિષેક શર્માએ 41 T20I માં 192.43 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 1297 રન બનાવ્યા છે, પરંતુ આ વર્લ્ડ કપમાં તેનું ખાતું પણ ખુલ્યું નથી. તાજેતરમાં તેણે પોતાની બેટિંગ વિશે કહ્યું હતું કે, “મારી પાસે બહુ વધારે શોટ્સ નથી, માત્ર કેટલાક શોટ્સ છે જેની હું સતત પ્રેક્ટિસ કરું છું અને રમું છું.”
નિષ્ણાતોનું માનવું છે કે ઓફ-સ્પિનરો સામે તેની આક્રમક બનવાની ઉતાવળ તેને ભારે પડી રહી છે. આર્યન દત્ત અને સલમાન અલી આગા સામે તેના આઉટ થવાની રીત લગભગ સરખી જ હતી.
નેટ્સમાં ગંભીરની ‘ગંભીર’ ક્લાસ
અભિષેકને ફોર્મમાં લાવવા માટે કોચ ગૌતમ ગંભીર પોતે મેદાનમાં ઉતર્યા છે. ગંભીર જાણે છે કે દબાણની સ્થિતિમાં કેવી રીતે વાપસી કરવી (જેમ કે 2011 વર્લ્ડ કપ ફાઈનલના 97 રન). નેટ્સમાં ગંભીરે અભિષેક સાથે લાંબો સમય વિતાવ્યો છે અને તેને ફોર્મમાં પરત આવવા માટે ‘ગુરુમંત્ર’ આપ્યો છે.
યુવરાજ સિંહનો સાથ
અભિષેક શર્માના મેન્ટર અને પૂર્વ દિગ્ગજ યુવરાજ સિંહે પણ ચોક્કસપણે આ મુશ્કેલ સમયમાં તેની સાથે વાત કરી હશે. યુવી હંમેશા અભિષેકની પડખે ઉભો રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું અભિષેક આજની મેચમાં ગંભીર અને યુવીના માર્ગદર્શન હેઠળ જૂના અંદાજમાં બેટિંગ કરીને ટીકાકારોના મોઢા બંધ કરી શકશે કે નહીં.












