ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પહોંચ્યો દિલ્હી હાઇકોર્ટ, વાંધાજનક ફોટો દૂર કરવાની કરી માંગ

નવી દિલ્હીઃ 10 સપ્ટેમ્બર, 2025: Abhishek Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારો (પર્સનાલી રાઇટ્સ) અંગે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યા બાદ, હવે તેનો પતિ અભિષેક બચ્ચન પણ હાઇકોર્ટ પહોંચ્યો છે. એક્ટ્રેસે વ્યક્તિત્વ અધિકારો અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. અભિષેક બચ્ચનની અરજી પર સુનાવણી કર્યા પછી, દિલ્હી હાઈકોર્ટે ગુગલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇબે વગેરે જેવા પ્લેટફોર્મ પર તેમના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરતા વેબપેજ/પ્રોડક્ટ પેજ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટ આ મુદ્દા પર વિગતવાર આદેશ પસાર કરશે.
અભિષેકની તસવીરોનો દુરૂપયોગ
સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ પ્રવીણ આનંદે અભિષેક વતી દલીલ કરતા કહ્યું કે, તે એક સેલિબ્રિટી છે. તેમણે 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મોગ્રાફી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેમને અત્યાર સુધીમાં 57 પુરસ્કારો મળ્યા છે. જેમાં 9 ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે. મનોરંજન જગત સાથે સંકળાયેલા હોવા ઉપરાંત, અભિષેક કબડ્ડી અને ઇન્ડિયન ફૂટબોલ લીગ જેવી પ્રમાણમાં ઓછી લોકપ્રિય રમતોને પણ પ્રોત્સાહન આપે છે. તેમણે પ્રચાર અધિકારો, કોપીરાઇટનો દાવો કર્યો છે અને પ્રતિવાદીઓ પર તેમની છબીનો અયોગ્ય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
વકીલે કહ્યું કે અભિષેક બચ્ચનની છબી ખરાબ કરવા અને જાતીય રીતે વાંધાજનક સામગ્રી બનાવવા માટે AI સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલીક વેબસાઇટ્સ તેમના હસ્તાક્ષરવાળી વસ્તુઓ વેચી રહી છે. વિવિધ એક્ટ્રેસ સાથે તેમનું નામ જોડીને નકલી સમાચાર અને AIથી બનાવેલા ફોટા ફેલાવવામાં આવી રહ્યા છે.
જસ્ટિસ તેજસે કહ્યું કે, ‘તમારે દરેક પ્લેટફોર્મ માટે ચોક્કસ URL આપવા પડશે. અમે ગૂગલને YouTube લિંક્સ દૂર કરવા માટે નિર્દેશ આપી શકીએ છીએ, પરંતુ તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્યને પક્ષકાર બનાવ્યા નથી. આ દસ્તાવેજને પ્રતિવાદી મુજબ વિભાજિત કરવામાં આવશે. ત્યાર બાદ ઓર્ડર પસાર કરવામાં આવી શકે છે. અમે કોઈ એવો રાહત આદેશ પસાર ન કરી શકીએ જેની માંગ અરજીમાં કરવામાં નથી આવી. એકવાર યુઆરએલની ઓળખ થઈ ગયા બાદ, અમે પ્લેટફોર્મને તેને દૂર કરવાનો નિર્દેશ આપી શકીએ છીએ. આ માટે MEITY (માહિતી ટેકનોલોજી મંત્રાલય) ને સામેલ કરવાની કોઈ જરૂર નથી.’
કોર્ટે શું કહ્યું?
સુનાવણી દરમિયાન પ્રવીણ આનંદે કહ્યું કે, અમે કેટલીક લિંક્સ શોધી કાઢી છે. આ સાથે, AI દ્વારા જનરેટ કરાયેલા ઘણા અશ્લીલ અને વાંધાજનક તસવીરો પણ મળી આવી છે, જેમાં અભિષેક બચ્ચનને મહિલા કલાકારો સાથે જોડવામાં આવ્યા છે. જસ્ટિસ કારિયાએ પૂછ્યું કે શું તેમાં પણ અશ્લીલ ચિત્રો છે?
વધુમાં જસ્ટિસ આનંદે કહ્યું કે, હાલ અમે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છીએ. તેમણે એમેઝોન, યુટ્યુબ, ગુગલ, ઇબે અને ફ્લિપકાર્ટ સહિત અન્ય પર અપલોડ કરાયેલી વાંધાજનક સામગ્રીનો ઉલ્લેખ કર્યો.
ગુગલના વકીલે કહ્યું કે, ગુગલ પરના મોટાભાગના URL કેટલાક ઓળખીતા વ્યક્તિઓ દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક અજાણ્યા પણ છે. ‘ટાયર્ડ ઓર્ડર’ ની જરૂર પડી શકે છે.
હાઇકોર્ટે કહ્યું કે, જાણીતા અને અજાણ્યા બંને પક્ષો છે. જો ઓળખ કરવી હોય, તો BSI શોધવી પડશે અને તેમાં ઘણો સમય લાગશે. પરંતુ જો તમે તેને તાત્કાલિક દૂર કરો છો, તો તે યોગ્ય રહેશે.
અભિષેકના વકીલે કરી વિનંતી
અભિષેકના વકીલે કહ્યું કે, જો સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે, તો તે ભવિષ્યમાં તેને ફરીથી અપલોડ કરનારાઓને પણ અટકાવશે. જોકે, હાઈકોર્ટે કહ્યું કે હાલ માટે આ પ્લેટફોર્મ્સે વાંધાજનક સામગ્રી દૂર કરવી જોઈએ. અમે વિગતવાર આદેશ પસાર કરીશું. તે આદેશોનું 2 અઠવાડિયામાં પાલન કરવું પડશે.
ઐશ્વર્યાએ કર્યો કેસ
આ પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હી હાઇકોર્ટ પહોંચી હતી. એક્ટ્રેસ વતી વરિષ્ઠ વકીલ સંદીપ સેઠી કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમણે ઐશ્વર્યાના પ્રચાર અને વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવાની વાત કરી હતી. તેમણે એવા લોકો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી જેઓ પોતાના ફાયદા માટે એક્ટ્રેસના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરે છે. કોર્ટે ઐશ્વર્યા રાયના ફોટાનો ગેરકાયદે ઉપયોગ કરતા URL ને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો સમગ્ર માહિતી












