ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાં હચમચાવતી ઘટના: સાળીના પ્રેમમાં પાગલ બનેલા બનેવીએ જ સાળા-સાળીની કરી કરપીણ હત્યા

સુરત, 8 ઓક્ટોબર 2025: સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં બુધવારે મોડી રાત્રે સંબંધોને શર્મસાર કરનારી અને અત્યંત ક્રૂર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક બનેવીએ પોતાની સાળી સાથે લગ્ન કરવાની જીદમાં પોતાના સાળા અને નાની સાળીની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. લગ્નની ખુશીઓ માટે સુરત આવેલા પરિવાર પર માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી નિશ્ચય અશોક કશ્યપ (30), તેની બહેન મમતા (25) અને માતા શકુંતલાબેન સાથે સુરત આવ્યા હતા. નિશ્ચયના ડિસેમ્બરમાં થનારા લગ્નની ખરીદી માટે તેઓ અહીં રોકાયા હતા. જોકે, તેમના સુરત આવવાના થોડા જ દિવસોમાં, 34 વર્ષીય બનેવી સંદીપ ધનશ્યામ ગૌરના માથે હવસ સવાર થઈ.

મોડી રાત્રે સંદીપે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા સાથે લગ્ન કરવાની માંગણી કરી અને તેની છેડતી કરી. સંદીપની આ બેશરમ માંગને લઈને ઘરમાં જોરદાર ઝઘડો થયો હતો. સાળા નિશ્ચયે જ્યારે બનેવી સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે સંદીપ જાણે હેવાન બની ગયો. તેણે રસોડામાંથી ચપ્પુ કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા.

ભાઈને બચાવવા માટે નાની બહેન મમતા વચ્ચે પડતાં, હત્યારા સંદીપે તેને પણ છોડી નહીં. તેણે ક્રૂરતાપૂર્વક મમતાના શરીરમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા. ગંભીર ઈજાઓને કારણે નિશ્ચય અને મમતા બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઝઘડામાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ પહોંચી હતી, જેમની હાલ સારવાર ચાલી રહી છે.

ડબલ મર્ડરની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ઇન્સપેક્ટર એસ.એન. દેસાઈ, ડી.સી.પી. કાનન દેસાઈ અને સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યા કરીને ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે ઘરમાં છવાયેલા મોતનાં માતમથી પટેલનગરમાં ગમગીની અને ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી પહેલા ચૂંટણી પંચની મોટી એક્શન, આચાર સંહિતાના દાયરામાં હવે ઈન્ટરનેટ પણ આવશે, પાર્ટીઓ માટે નિર્દેશ જાહેર કર્યા

Back to top button