ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો પાકિસ્તાન ‘ટૂલ કિટ’ તરીકે કરતું હતું ઉપયોગ, 2500 પેજની ચાર્જશીટ થઈ દાખલ

નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ, 2025: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા, જેની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, તેના વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. હરિયાણા પોલીસે જ્યોતિની 16 મે, 2025ના રોજ ધરપકડ કરી હતી અને હવે લગભગ 3 મહિના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે 2,500 પાનાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે જ્યોતિ લાંબા સમયથી જાસૂસીનું કામ કરતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, જ્યોતિએ પાકિસ્તાની એજન્ટોને દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી લીક કરી છે. એસઆઈટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા દાખલ કરવામાં આવેલી આ ચાર્જશીટમાં જણાવાયું છે કે જ્યોતિનો ઉપયોગ પાકિસ્તાન માટે એક ‘ટૂલ કિટ’ તરીકે થતો હતો અને તે પાકિસ્તાની એજન્ટો સાથે સતત સંપર્કમાં હતી.

પાકિસ્તાની એજન્ટો સાથે સંપર્ક

પોલીસને જ્યોતિના મોબાઈલ ફોનમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત દાનિશ અલી સાથે સતત સંપર્કમાં હતી અને તેમની વચ્ચેની ચેટ્સ પણ મળી છે. આ ઉપરાંત, જ્યોતિ આઈએસઆઈ એજન્ટો જેવા કે શાકિર, હસન અલી અને નાસિર ઢિલ્લોન સાથે પણ વાત કરતી હતી. પોલીસ હાલમાં પહેલગામ આતંકી હુમલામાં તેની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

પાકિસ્તાનનો અનેક વાર પ્રવાસ

હિસારની 33 વર્ષીય જ્યોતિ મલ્હોત્રા ‘ટ્રાવેલ વિથ જેઓ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તે ઘણી વાર પાકિસ્તાન ગઈ હતી અને ત્યાંના અનેક નેતાઓ અને અધિકારીઓ સાથે તેના સારા સંબંધો હતા. અગાઉ 13 મેના રોજ ભારતે પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને જાસૂસીના આરોપસર દેશમાંથી હાંકી કાઢ્યો હતો. આ ઘટના બાદ જ્યોતિની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં અન્ય ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યોતિ તે 12 લોકોમાંથી એક હતી જેમની પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી જાસૂસીના શંકા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતી કલા જગત ઉપર આભ ફાટ્યું, મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, સાત ઘાયલ

Back to top button