ગુજરાતી કલા જગત ઉપર આભ ફાટ્યું, મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, સાત ઘાયલ

ઈન્દોર, તા. 16 ઓગસ્ટ, 2025: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે-46 પર એક ટેમ્પો ટ્રાવેલર ડિવાઇડર ઓળંગીને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર ગુજરાતીના મૃત્યુ થયા હતા. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી.
મળતી વિગત પ્રમાણે, 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને શુક્રવારે સાંજે પરત ફરી રહ્યું હતું. આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે, ટ્રાવેલર બસના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું. જેના કારણે બસ બેકાબૂ બનીને ડિવાઇડર પર ચઢી ગઈ અને બીજી લેનમાં સામેથી આવી રહેલી ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સુરવાયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા. આ અકસ્માતમાં સિંગર હાર્દિક દવે (ઉ.વ 40)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજા ઠાકુર (ઉ.વ.28), અંકિત ઠાકુર (ઉ.વ.17) અને રાજપાલ સોલંકી (ઉ.વ.60)એ પણ અંતિમ શ્વાસ લીધા હતા. રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટેમ્પો ટ્રાવેલનો ડ્રાઇવર ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબઃ …તો પછી બંધારણીય અરાજકતા સર્જાશે












