ઝારખંડમાં ઉગ્રવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ

ઝારખંડ, 4 સપ્ટેમ્બર 2025: ઝારખંડના પલામૂમાં ઉગ્રવાદીઓ અને જવાનો વચ્ચે ભીષણ અથડામણનો મામલો સામે આવ્યો છે. આ અથડામણમાં બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સંતન કુમાર અને સુનીલ રામ તરીકે થઈ છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા જવાનની ઓળખ રોહિત કુમાર તરીકે થઈ છે. ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તે હવે ખતરાની બહાર છે.
આ મામલાની માહિતી આપતાં ડીઆઈજી નૌશાદ આલમે જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે વિસ્તારમાં કર્મા પૂજાનું આયોજન થઈ રહ્યું છે અને આ દરમિયાન પ્રતિબંધિત સંગઠન ટીએસપીસીના નક્સલવાદીઓ ડર ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે. આ માહિતીના આધારે એસપીના નેતૃત્વમાં પોલીસકર્મીઓ બે ટીમોમાં વહેંચાઈને સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા. આ દરમિયાન હુમલામાં બે જવાન શહીદ થયા.
આ મામલે વધુ માહિતી આપતાં ડીઆઈજીએ જણાવ્યું કે જેવી રીતે જવાનો પહાડી રસ્તે પસાર થઈ રહ્યા હતા, ત્યારે છુપાયેલા નક્સલવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી, પરંતુ આ અથડામણમાં બે જવાન, સંતન કુમાર મેહતા અને સુનીલ રામ શહીદ થયા. રોહિત કુમાર ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણેય જવાનો અગાઉ ટાઈગર મોબાઈલમાં તૈનાત રહી ચૂક્યા છે. ગોળીબારમાં નક્સલવાદીઓના પણ હતાહત થવાની શક્યતા છે, પરંતુ શબ બરામદ થયું નથી. આખી ઘટના બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પલામૂ એસપી અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો. શહીદ જવાનોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
આ અથડામણથી આખા જિલ્લામાં શોકની લહેર છે. પોલીસ અધિકારીઓએ શહીદોની બહાદુરીને નમન કરતાં કહ્યું કે નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાનને વધુ તીવ્ર કરવામાં આવશે અને જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.
આ પણ વાંચો : આરોગ્ય અને જીવન વીમા પર કોઈ GST નહીં, ₹10000 ના પ્રીમિયમ પર ₹1800ની રાહત












