ફ્લાયદુબઈ ફ્લાઇટ હાઈજેક કાંડ: ટ્રમ્પે ઈરાનને ગણાવ્યું જવાબદાર, ભારતીય પાયલટની બહાદુરીથી ટળી મોટી દુર્ઘટના
Flydubai: દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં થયેલા હાઈજેકના પ્રયાસને લઈને મોટો ખુલાસો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાના પાછળ ઈરાનનો હાથ હોવાનો વ્યક્તિગત મત વ્યક્ત કર્યો છે. જોકે, આ મામલે તપાસ હજુ ચાલુ છે.
સોમવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ માને છે કે ફ્લાયદુબઈની ફ્લાઇટમાં થયેલી ઘટનાના પાછળ ઈરાન જવાબદાર છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “હા, હું વ્યક્તિગત રીતે એવું માનું છું.” ટ્રમ્પ અગાઉ પણ આ ઘટનામાં ઈરાનની સંડોવણી હોવાની વાત કહી ચૂક્યા છે.
ભારતીય પાયલટ પર પાછળથી કર્યો હુમલો
30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ને હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે હાઈજેકર કોઈ બહારનો વ્યક્તિ નહીં પરંતુ વિમાનનો જ ઓમાની કો-પાયલટ હમામ અલ-હમામી હતો.
અહેવાલો અનુસાર, અલ-હમામીએ કોકપિટમાં પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર પર પાછળથી હુમલો કર્યો હતો. તેણે વિમાનમાં સુરક્ષા માટે રાખવામાં આવેલા નાના હથોડાથી પાયલટના માથા પર વાર કર્યો હતો, જેના કારણે કેપ્ટન સ્મિત મચ્છાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગંભીર ઈજા છતાં પાયલટે બતાવી હિંમત
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત હારી નહોતી. તેમણે કોકપિટનો દરવાજો ખોલી દીધો, જેના કારણે મુસાફરો અને ઓફ-ડ્યુટી ક્રૂના સભ્યોએ હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લેવામાં સફળતા મેળવી.
આ દરમિયાન વિમાનની ઊંચાઈમાં પણ મોટો ઘટાડો થયો હતો. વિમાનમાં હાજર એક ઓફ-ડ્યુટી પાયલટે પરિસ્થિતિ સંભાળી અને વિમાનને નજીકના સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ વાળ્યું. ત્યાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
તેલ અવિવ પહોંચ્યા બાદ વિમાન ક્રેશ કરવાની હતી યોજના?
તપાસ સંબંધિત અહેવાલો અનુસાર, અલ-હમામીની કથિત યોજના અત્યંત ભયાનક હતી. પૂછપરછ દરમિયાન તેણે વિમાન પર સંપૂર્ણ કંટ્રોલ મેળવ્યા બાદ તેને ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ સુધી લઈ જવાની અને ત્યારબાદ કોઈ વિમાન અથવા ઊંચી ઈમારત સાથે અથડાવવાની યોજના બનાવી હોવાની માહિતી સામે આવી છે.
ઇટાલિયન અખબાર Corriere della Seraના અહેવાલમાં તપાસ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે કો-પાયલટનો ઈરાદો કેપ્ટન સ્મિત મચ્છારને નિષ્ક્રિય કરીને ફ્લાઇટ પર સંપૂર્ણ કબજો મેળવવાનો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બંને એન્જિનની ફ્યુઅલ સપ્લાય બંધ કરી હતી?
આ ઘટનાની તપાસમાં વધુ એક ગંભીર શંકા સામે આવી છે. તપાસકર્તાઓને આશંકા છે કે કો-પાયલટે વિમાનના બંને એન્જિનમાં ઈંધણ પહોંચાડતી સ્વિચ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, કેપ્ટન સ્મિત મચ્છારની હિંમત, મુસાફરો અને ઓફ-ડ્યુટી ક્રૂની ઝડપી કાર્યવાહીથી કથિત યોજના નિષ્ફળ ગઈ અને 174 મુસાફરોના જીવ બચી ગયા.
હાલ ફ્લાયદુબઈની આ સમગ્ર ઘટનામાં કો-પાયલટની ભૂમિકા, કથિત હાઈજેક પ્લાન અને ઈરાન સાથે કોઈ સંભવિત કનેક્શન અંગે તપાસ ચાલી રહી છે. ટ્રમ્પે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.
આ પણ વાંચો: નેપાળ પૂર: સર્ચ ઓપરેશન બંધ, 5 હજારથી વધુ લોકો લાપતા, 189 ભારતીયો ગુમ












