ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળ પૂર: સર્ચ ઓપરેશન બંધ, 5 હજારથી વધુ લોકો લાપતા, 189 ભારતીયો ગુમ

Bhotekoshi Trishuli Flood:  નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભોટેકોશી-ત્રિશૂલી પૂરને 40 દિવસ પૂર્ણ થયા બાદ સરકારે બિનજરૂરી શોધ અને બચાવ કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વિનાશક પૂરમાં અત્યાર સુધી 1,455 લોકોના મોત થયા છે, જ્યારે 5,285 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાં 189 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સોમવારે મળેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન બાલેન્દ્ર શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હવે રાહત કામગીરીની સાથે પુનર્નિર્માણ અને પુનર્વસનને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેનારી ટીમોની ભલામણ બાદ શોધ અને બચાવ કામગીરી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

5,285 લોકો હજુ પણ લાપતા

26 ઓગસ્ટે આવેલા ભોટેકોશી-ત્રિશૂલી પૂરે નેપાળમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. સત્તાવાર આંકડા મુજબ, આ દુર્ઘટનામાં 1,455 લોકોના મોત થયા છે અને 5,285 લોકોની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. લાપતા લોકોમાં 189 ભારતીય નાગરિકો છે. આ સિવાય ભારતીય મૂળના કેટલાક લોકો પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમની પાસે અન્ય દેશોના પાસપોર્ટ હોવાથી તેઓ ભારતીય નાગરિકોની સત્તાવાર યાદીમાં સામેલ નથી.

36 દેશોના 606 વિદેશી પ્રવાસીઓ ગુમ

નેપાળના પ્રવાસન વિભાગના તાજેતરના આંકડા પ્રમાણે, પૂર બાદ 36 દેશોના 606 વિદેશી પ્રવાસીઓની હજુ સુધી ભાળ મળી નથી. આ યાદીમાં ભારતના 189 નાગરિકો ઉપરાંત અમેરિકાના 65, મલેશિયાના 55, યુક્રેનના 54 અને ચીનના 37 નાગરિકોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા અને લાતવિયાના 33-33, બ્રિટનના 32 અને કેનેડાના 30 નાગરિકો પણ લાપતા છે. આ ઉપરાંત 188 નેપાળી પ્રવાસીઓ પણ હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના 30 લોકો પણ લાપતા

ભારતના અલગ-અલગ રાજ્યો પાસેથી મળેલી માહિતી અનુસાર, લાપતા ભારતીયોમાં તમિલનાડુના લોકોની સંખ્યા સૌથી વધુ છે. તમિલનાડુના 85, પશ્ચિમ બંગાળના 37, ગુજરાતના 30 અને તેલંગાણાના 25 લોકો લાપતા છે. ઉત્તર પ્રદેશના 22, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના 13-13, બિહારના 12 અને ઓડિશાના 4 લોકોની પણ હજુ ભાળ મળી નથી. મહારાષ્ટ્રના 10થી વધુ લોકો લાપતા હોવાનું જણાવાયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પુનર્નિર્માણ માટે 35 હજાર કરોડની ભલામણ

પૂર બાદ હવે નેપાળ સરકારનું ધ્યાન અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ઊભા કરવા પર છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ કાઉન્સિલે પુનર્નિર્માણ અને પુનર્વસન સાથે જોડાયેલા 504 કાર્યક્રમો માટે નાણા મંત્રાલય પાસેથી 559 અબજ નેપાળી રૂપિયાની મંજૂરીની ભલામણ કરી છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ અંદાજે 35 હજાર કરોડ રૂપિયા થાય છે. આ યોજનાઓ અલગ-અલગ મંત્રાલયો અને સરકારી એજન્સીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે. જે પ્રોજેક્ટ્સનો ખર્ચ હજુ નક્કી થયો નથી, તેના માટે જરૂરી વધારાના ભંડોળની વ્યવસ્થા કરવાની જવાબદારી NDRRMAને સોંપવામાં આવી છે. હવે નેપાળમાં પૂર બાદની કામગીરીનો ભાર માત્ર લાપતા લોકોને શોધવા પૂરતો નહીં રહે, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા અને લાંબા ગાળાના પુનર્નિર્માણ પર રહેશે.

આ પણ વાંચો : અસમના નગાંવમાં વહેલી સવારે 4.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ

Back to top button