અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના થલતેજમાં મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ! જીવ બચાવવા બીજા માળેથી 2 કર્મચારીઓએ લગાવી છલાંગ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસ (મેગ્નેટ ફ્લોરા)માં સોમવારે (2 નવેમ્બર) મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બિલ્ડિંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર ફ્લોર પર ફેલાઈ ગયા હતા. આ દરમિયાન અંદર ફસાયેલા કર્મચારીઓમાં જીવ બચાવવા નાસભાગ મચી ગઈ હતી. ગભરાટમાં બે કર્મચારીઓએ બીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી, જ્યારે અંદર ફસાયેલા અન્ય ત્રણ લોકોને ફાયર બ્રિગેડની ટીમે સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની સમયસૂચક કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

મેગ્નેટ કોર્પોરેટ હાઉસના બીજા માળે અચાનક આગ ભભૂકી

પ્રાપ્ત માહિતી અનુસાર, થલતેજ સ્થિત મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બીજા માળે આગ લાગી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા આખા ફ્લોરમાં ફેલાઈ જતાં કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

કેટલાક કર્મચારીઓ સમયસર બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા, પરંતુ અન્ય કેટલાક લોકો ધુમાડા વચ્ચે અંદર જ ફસાઈ ગયા હતા. ધુમાડાના કારણે બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બનતાં કર્મચારીઓમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

જીવ બચાવવા બે કર્મચારીઓએ બીજા માળેથી લગાવી છલાંગ

આગની ગંભીરતા અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફસાયેલા બે કર્મચારીઓએ ગભરાટમાં જીવ બચાવવા બીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી. આ દ્રશ્ય જોઈને બિલ્ડિંગની બહાર હાજર લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. નીચે ઊભેલા લોકોએ તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, બિલ્ડિંગની અંદર હજુ પણ ત્રણ લોકો ફસાયેલા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ફાયર બ્રિગેડે સીડીની મદદથી ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલરૂમ દ્વારા નજીકના ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

ફાયર વિભાગના જવાનોએ એક તરફ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, તો બીજી તરફ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સીડી અને સ્નોર્કલની મદદથી અંદર ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે ત્રણેયનો જીવ બચાવી શકાયો હતો.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ સંબંધિત વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

થલતેજના મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થાઓ સામે સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને આગ જેવી આપત્તિ સમયે કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવા માટેની વ્યવસ્થા કેટલી સજ્જ છે તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો: નિકોલમાં બેફામ ફોર્ચ્યુનરનો કહેર! ફૂટપાથ પર સૂતેલા 3 લોકોને કચડ્યા, મહિલા અને સગીરનું કરુણ મોત

Back to top button