પાકિસ્તાનમાં એક પછી બે બ્લાસ્ટની ઘટના, 7ના મોત અનેક ઈજાગ્રસ્ત

Pakistan Double Blast: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા (KP) પ્રાંતના બન્નુ જિલ્લામાં એક પછી એક થયેલા બે ભયાનક વિસ્ફોટોમાં 7 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્સ્ત થવાના અહેવાલ મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર આ રિમોટ-કંટ્રોલથી કરવામાં આવેલા હુમલા હતા, જેને અધિકારીઓએ કાયરતાપૂર્ણ આતંકી હુમલો ગણાવ્યો છે.
ક્યારે બની બ્લાસ્ટની ઘટના?
સ્થાનિક માહિતી મુજબ, આ ઘટના વઝીર સબ-ડિવિઝન હેઠળના અર્ધ-જનજાતીય અને પહાડી વિસ્તાર મરકા બેરા નજીક બની હતી. બન્નુના જિલ્લા પોલીસ અધિકારી (DPO) યાસિર અફ્રિદીના જણાવ્યા મુજબ બંને બ્લાસ્ટમાં કુલ 7 લોકોના મોત થયા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલો એટલો ભીષણ હતો કે આસપાના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો. મૃત્યુઆંક વધી શકે છે.
ફાંગ મૂસા ખેલ વિસ્તારમાં બે વાહનોને નિશાન બનાવ્યા
પોલીસના જણાવ્યા મુજબ ફાંગ મૂસા ખેલ વિસ્તારમાં રિમોટ-કંટ્રોલ ઈમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) દ્વારા બે વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક પ્રાઈવેટ ડેટસન વાહન ડોમેલ તરફ મુસાફરોને લઈને જઈ રહ્યું હતું ત્યારે તેને પ્રથમ બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. આ હુમલામાં 5 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પ્રથમ બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે લગભગ એક કિલોમીટર દૂર બીજો વિસ્ફોટ થયો. આ હુમલામાં બીજું વાહન પણ સંપૂર્ણ રીતે નાશ પામ્યું અને 2 વધુ લોકોના મોત થયા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
22ની ટીમો સ્થળ પર પહોંચી ગઈ અને ઈજાગ્રસ્તોને તથા મૃતદેહોને ડોમેલ રુરલ હેલ્થ સેન્ટર અને ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સંભવિત અન્ય વિસ્ફોટક ઉપકરણોની શોધ માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓને શંકા છે કે વિસ્તારમાં હજુ પણ IED છુપાયેલા હોઈ શકે છે, તેથી દરેક ખૂણાની તપાસ ચાલી રહી છે. આ ઘટના બન્નુ જિલ્લામાં વધતી સુરક્ષા પડકારોને દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં અહીં આતંકી હિંસામાં વધારો નોંધાયો છે. થોડા સમય પહેલાં મિર્યાન રોડ પર એક પુલને વિસ્ફોટથી ઉડાવવાનો પ્રયાસ થયો હતો, જ્યારે જૂનમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં બે પોલીસકર્મીઓની હત્યા થઈ હતી. ગત મહિને સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 25 આતંકીઓ માર્યા ગયા હતા, જેમાં બે પોલીસકર્મી અને બે નાગરિકોના પણ મોત થયા હતા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સહિત અનેક અધિકારીઓએ આ હુમલાની નિંદા કરી છે અને નિર્દોષ નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.












