FIFA World Cup 2026: વર્લ્ડ કપનું સપનું તૂટ્યું, પરંતુ જાપાને જીત્યા દિલ

FIFA World Cup: FIFA વર્લ્ડ કપ 2026માં જાપાનની સફર ભલે બ્રાઝિલ સામે હાર સાથે સમાપ્ત થઈ હોય, પરંતુ ટીમના ખેલાડીઓ અને કોચે પોતાના વર્તનથી દુનિયાભરના ફૂટબોલ ચાહકોના દિલ જીતી લીધા હતા.
રવિવારે રમાયેલી રાઉન્ડ ઓફ 32ની મેચમાં બ્રાઝિલે જાપાનને 2-1થી હરાવી ટુર્નામેન્ટમાંથી બહાર કર્યું હતું. જાપાન તરફથી કાઈશુ સાનો એ પહેલો ગોલ કરીને ટીમને આગળ કરી હતી, પરંતુ બ્રાઝિલે વાપસી કરતા કાસેમિરોના ગોલથી સ્કોર બરાબર કર્યો અને અંતિમ ક્ષણોમાં ગેબ્રિયલ માર્ટિનેલીએ વિજેતા ગોલ કરીને બ્રાઝિલને આગળ પહોંચાડ્યું હતું.

મેચ પૂર્ણ થયા બાદ સર્જાયુ ભાવુક દ્રશ્ય
મેચ પૂર્ણ થયા બાદ જાપાનના કોચ હજીમે મોરિયાસુએ તમામ ખેલાડીઓને મેદાનના મધ્યમાં ભેગા કર્યા. તેમણે ભાવુક ભાષણ આપ્યા બાદ તેઓ ટીમ સાથે જાપાનના ચાહકો તરફ આગળ વધ્યા. તેમણે જાપાનના લોકો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી. કોચ અને તમામ ખેલાડીઓએ જાપાની સમર્થકો સામે ઊંડું નમન કર્યું. આ દૃશ્ય જોઈને સ્ટેડિયમમાં હાજર ચાહકોએ તાળીઓ વગાડી ટીમનો ઉત્સાહ વધાર્યો. અન્ય એક ઉત્સાહી ટુર્નામેન્ટ બાદ સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ ટીમના પ્રયાસોને બિરદાવ્યા. જાપાને જે નિર્ભયતાથી સ્પર્ધા કરી તે કાબિલે દાદ હતું.

વિનમ્રતાએ કરોડો લોકોના દિલ જીત્યા
જાપાનની ટીમે ફરી એકવાર સાબિત કર્યું કે ફૂટબોલ માત્ર જીત-હારની રમત નથી, પરંતુ શિસ્ત, સન્માન અને ટીમ ભાવનાનું પણ પ્રતીક છે. જાપાનની આ રમતિયાળ સંસ્કૃતિ, વિનમ્રતા અને ચાહકો પ્રત્યેના સન્માનના દૃશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અનેક ફૂટબોલ ચાહકોનું માનવું છે કે ટ્રોફી ભલે ન મળી હોય, પરંતુ જાપાને પોતાના વર્તન અને સંસ્કારથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે.
Gracias Hajime Moriyasu, Dt de Japon, sos inmenso, será hasta dentro de 4 años.
Vamos Nippon. pic.twitter.com/Qsvi6T1MVr
— Poirot (@Argenpoirot) June 29, 2026












