ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સમાં ગુલવીર સિંહે રચ્યો ઇતિહાસ; 5000 મીટર દોડમાં ભારતને અપાવ્યો પ્રથમ પદક

Won India’s first medal: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના એથ્લેટ ગુલવીર સિંહે ઇતિહાસ રચ્યો છે. પુરુષોની 5000 મીટર દોડમાં તેમણે 13 મિનિટ 24.95 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીતી ભારતને આ ઇવેન્ટમાં પ્રથમ વખત પદક અપાવ્યો છે. આ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સની 5000 મીટર સ્પર્ધામાં પદક જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે.

રોમાંચક રહી 5000 મીટરની ફાઇનલ રેસ

5000 મીટરની ફાઇનલમાં ગુલવીર સિંહે અંતિમ ક્ષણ સુધી શાનદાર લડત આપી હતી. તેઓએ રેસ 13:24.95માં પૂર્ણ કરી હતી, જ્યારે ચોથા સ્થાને રહેલા કેન્યાના કોર્નેલિયસ કેમ્બોઇ માત્ર 0.04 સેકન્ડથી પાછળ રહ્યા હતા. આ નજીકના અંતરે મળેલો બ્રોન્ઝ મેડલ ગુલવીર માટે વધુ યાદગાર બની ગયો છે.

એક જ ગેમ્સમાં બે પદક જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક એથ્લેટ

આ પહેલા ગુલવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026ની 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 5000 મીટરમાં બ્રોન્ઝ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડની બે અલગ-અલગ સ્પર્ધામાં પદક જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે.

સેનામાં ભરતી માટે શરૂ કરી હતી દોડ

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના રહેવાસી 27 વર્ષીય ગુલવીર સિંહે શરૂઆતમાં ભારતીય સેનામાં ભરતી થવાના હેતુથી દોડવાની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં તેઓ ભારતીય સેનામાં જોડાયા બાદ પણ સતત તાલીમ લેતા રહ્યા. તેમની મહેનતના પરિણામે તેમને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.

એશિયન ગેમ્સથી લઈને હાફ મેરેથોન સુધી નોંધપાત્ર સિદ્ધિઓ

ગુલવીર સિંહે 2022ના એશિયન ગેમ્સમાં 10,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2026માં તેમણે હાફ મેરેથોન માત્ર 59 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરીને એક કલાકથી ઓછા સમયમાં હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ તરીકે પણ નવી સિદ્ધિ નોંધાવી હતી. હવે કોમનવેલ્થ ગેમ્સમાં તેમના ઐતિહાસિક પ્રદર્શનથી ભારતીય એથ્લેટિક્સને વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ મળી છે.

આ પણ વાંચો : મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદે મચાવી તબાહી, અનેક ગામોમાં પાણી ભરાયા

Back to top button