શું ભાજપને મળશે પહેલા મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ? નિર્મલા સિતારમણ સહિત આ નામો રેસમાં આગળ

નવી દિલ્હીઃ 3 જુલાઈ, 2025: BJP President: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? હાલ તો આ અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ ભાજપ એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપને પહેલીવાર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના ટોચના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે, જેમાં ઘણી અગ્રણી મહિલા નેતાઓના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે. સંગઠનાત્મક સંતુલન, મહિલા સશક્તિકરણ અને આગામી ચૂંટણી વ્યૂહરચનાના સંદર્ભમાં આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
રાજકીય વર્તુળોમાં નિર્મલા સીતારમણ, વનથી શ્રીનિવાસન અને ડી પુરંદેશ્વરીના નામ પર ચર્ચા છે. ચાલો જાણીએ આ ત્રણેય મહિલા નેતાઓ વિશે.
- નિર્મલા સીતારમણ
દેશના વર્તમાન નાણાંમંત્રી નિર્મલા સીતારમણને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. નિર્મલા સીતારમણ તાજેતરમાં જ પાર્ટી મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષને મળ્યા હતા. સૂત્રોનું માનવું છે કે, તેમની સંભવિત નિયુક્તિથી પાર્ટીને એકસાથે અનેક વ્યૂહાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
જો નિર્મલા સીતારમણને આ પદ માટે પસંદ કરવામાં આવે છે, તો તેમના પ્રમોશનથી દક્ષિણ ભારતમાં ભાજપની પકડ મજબૂત કરી શકે છે. આ સાથે, મહિલાઓને સશક્ત બનાવવાના મોદી સરકારના સંકલ્પને પણ આનાથી પ્રોત્સાહન મળશે. હાલમાં નાણાંમંત્રી તરીકે સેવા આપી રહેલા નિર્મલા સીતારમણ અગાઉ સંરક્ષણ વિભાગ સંભાળી ચૂક્યા છે અને પાર્ટીના સંગઠનાત્મક માળખામાં લાંબો અનુભવ ધરાવે છે.
- ડી. પુરંદેશ્વરી
ડી. (દગ્ગુબાતી) પુરંદેશ્વરી આંધ્ર પ્રદેશના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પુરંદેશ્વરી આંધ્રપ્રદેશના સાંસદ છે અને રાજ્યમાં ભાજપ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. પુરંદેશ્વરીને સુષ્મા સ્વરાજની જેમ પ્રભાવશાળી વક્તા માનવામાં આવે છે. બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષોમાં તેમની સફળ કારકિર્દી રહી છે. તેઓ બહુભાષી છે (તેલુગુ, તમિલ, હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ ભાષા સારી રીતે જાણે છે).
જુલાઈ 2023માં તેમણે આંધ્ર પ્રદેશમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં તેઓ આ પદ પર રહ્યા હતા. એટલું જ નહીં, પુરીંદેશ્વરીને વિવિધ દેશોમાં ગયેલા બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા, જેનાથી વિદેશમાં પાકિસ્તાનનો પર્દાફાશ થયો હતો. તે દક્ષિણ ભારતમાં પાર્ટીનો એક મોટો ચહેરો બની શકે છે.
- વનથી શ્રીનિવાસન
વનથી શ્રીનિવાસન એક જાણીતા વકીલમાંથી રાજકારણી બન્યા છે અને હાલમાં તમિલનાડુ વિધાનસભામાં કોઈમ્બતુર દક્ષિણથી ભાજપ ધારાસભ્ય છે. તેમની રાજકીય સફર 1993માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી શરૂ થઈ હતી અને ત્યારથી તેઓ પક્ષના સંગઠનમાં સતત આગળ વધી રહ્યા છે. વનથીએ તમિલનાડુ ભાજપમાં રાજ્ય સચિવ (2013-14), મહાસચિવ (2014-20) અને રાજ્ય ઉપાધ્યક્ષ (2020) જેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
વનથીને ઓક્ટોબર 2020માં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, આ જવાબદારી તેમણે એવા સમયે સંભાળી હતી જ્યારે પક્ષ મહિલાઓમાં તેનો આધાર મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. 2022માં, તેમને ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ આ પ્રતિષ્ઠિત સમિતિમાં સામેલ થનારા પ્રથમ તમિળ મહિલા બન્યા. આ નિમણૂક તેમના વધતા પ્રભાવ અને પક્ષમાં લાંબા યોગદાનનો પુરાવો છે.
વનથી શ્રીનિવાસન એક કાનૂની નિષ્ણાત તેમજ પાયાના રાજકારણમાં પારંગત છે. તેમણે મહિલા સશક્તિકરણ, સંગઠનાત્મક શક્તિ અને વિધાનસભામાં સક્રિય ભૂમિકા દ્વારા માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે.
શું છે RSSની તૈયારી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પણ મહિલા નેતૃત્વ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે. તેઓ માને છે કે મહિલા નેતૃત્વનો પ્રતિકાત્મક અને વ્યૂહાત્મક બંને દ્રષ્ટિકોણથી મોટો પ્રભાવ પડશે. તાજેતરના વર્ષોમાં, ભાજપને મહિલા મતદારો તરફથી ભારે સમર્થન મળ્યું છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં. પાર્ટીની મહિલા-કેન્દ્રિત યોજનાઓ અને લાભાર્થી વોટ બેન્ક વ્યૂહનીતિને વધુ મજબૂત બનાવવા માટે આ પગલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ જામનગરઃ સેવક ધુણીયા ગામે વીજળી પડતા 2 શ્રમિકનાં મૃત્યુ, ગામમાં શોકનો માહોલ
આ પણ વાંચોઃ આ અઠવાડિયાની TRP યાદીમાં મોટો ફેરફાર, આ ટીવી શો ટોપ 5 માંથી બહાર












