ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

ભગવાન રામ બનનાર રણબીર કપૂરની દશેરાના સંદેશમાં મોટી ભૂલ! ‘જીત’ને બદલે ‘અંત’ બોલતાં ટ્રોલ, આખરે માગી માફી

Ranbir Kapoor Dussehra Speech Mistake: બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. જોકે ફિલ્મની રિલીઝ પહેલાં જ અભિનેતા એક અણધાર્યા વિવાદમાં સપડાયો છે. દશેરાના પ્રસંગે સત્ય અને અસત્ય વચ્ચેના સંઘર્ષનો સંદેશ આપતી વખતે રણબીરની જીભ એવી લપસી કે તેના નિવેદનનો અર્થ જ બદલાઈ ગયો. સત્ય અને ભલાઈની ‘જીત’ થશે એવું કહેવાને બદલે અભિનેતા ‘અંત’ થશે એવું બોલી જતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો. આખરે આ મામલે રણબીરને જાહેરમાં માફી માગવી પડી છે.

દશેરાના સંદેશમાં એક શબ્દે બદલ્યો આખો અર્થ

20 ઓક્ટોબરે કોલકાતામાં યોજાયેલા દશેરાના કાર્યક્રમમાં રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પ્રચાર માટે પહોંચ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેણે લોકોને દશેરાનું મહત્ત્વ સમજાવતાં બુરાઈ પર અચ્છાઈના વિજયનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન તેનાથી મોટી ભાષાકીય ભૂલ થઈ ગઈ હતી. રણબીરે હિન્દીમાં કહ્યું હતું કે, બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે સત્ય અને ભલાઈનો જ અંત થશે. હકીકતમાં તે કહેવા માગતો હતો કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે સત્ય અને ભલાઈનો જ વિજય થશે. ‘જીત’ના સ્થાને ‘અંત’ શબ્દ બોલાઈ જતાં સંદેશનો અર્થ સંપૂર્ણપણે વિપરીત થઈ ગયો હતો.

સોશિયલ મીડિયા પર રણબીર કપૂર બન્યો મજાકનું કેન્દ્ર

રણબીર કપૂરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. અનેક યુઝર્સે અભિનેતાની જીભ લપસવાની ઘટનાને લઈને મજાક ઉડાવી હતી. કેટલાક લોકોએ તેની આગામી ફિલ્મ ‘રામાયણ’નો ઉલ્લેખ કરીને પણ પ્રતિક્રિયા આપી હતી. ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા દશેરા જેવા મહત્ત્વના ધાર્મિક પ્રસંગે સત્ય અને ભલાઈના વિજયનો સંદેશ આપવામાં જ ગોટાળો કરી બેઠો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે આ સમગ્ર ઘટના જાણીજોઈને કરવામાં આવેલી ટિપ્પણી નહીં, પરંતુ બોલતી વખતે થયેલી ભૂલ હોવાનું રણબીરે બાદમાં સ્પષ્ટ કર્યું હતું.

ચેન્નઈમાં રણબીરે સ્વીકારી ભૂલ, જાહેરમાં માગી માફી

21 Aક્ટોબરે ચેન્નઈમાં ફિલ્મ ‘રામાયણ’ના ભવ્ય સંગીત કાર્યક્રમ દરમિયાન રણબીર કપૂરે આ વિવાદ અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે કોલકાતાના દશેરા કાર્યક્રમમાં બોલતી વખતે તેની જીભ લપસી ગઈ હતી. રણબીરે કહ્યું હતું કે તેનો કહેવાનો આશય એવો હતો કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, અંતે સત્ય અને સારાઈની જ જીત થાય છે. પોતાના શબ્દોથી સર્જાયેલી ગેરસમજ બદલ તેણે જાહેરમાં માફી માગી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘રોકસ્ટાર’ના ગીતથી પોતાની ભૂલ સમજાવી

માફી માગતી વખતે રણબીર કપૂરે પોતાની સુપરહિટ ફિલ્મ ‘રોકસ્ટાર’ને પણ યાદ કરી હતી. સંગીતકાર એ.આર. રહેમાન સાથેના પોતાના જૂના કોલોબ્રેશનનો ઉલ્લેખ કરીને તેણે ફિલ્મના ગીતની જાણીતી પંક્તિ સંભળાવી હતી. જો ભી મૈં કહેના ચાહું, બરબાદ કરે અલ્ફાઝ મેરે. આ પંક્તિ દ્વારા અભિનેતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ક્યારેક વ્યક્તિ જે કહેવા માગે છે તે યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. રણબીરે પોતાની ભૂલનો સ્વીકાર કરીને ફરી એકવાર માફી માગી હતી.

‘રામાયણ’ની રિલીઝ પહેલાં જ રણબીર ચર્ચામાં

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં, યશ રાવણના પાત્રમાં અને સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનો પ્રથમ ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રજૂ થવાનો છે. ફિલ્મની રિલીઝ પહેલાં દશેરાના સંદેશમાં થયેલી આ ભૂલને કારણે રણબીર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. જોકે, અભિનેતાએ સમયસર ખુલાસો કરીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ ઝીરો રિસ્ક પ્રોફિટ! POTD માં 5 લાખનું રોકાણ, 3 વર્ષમાં મળતા રિટર્નનો આંકડો જોઈ ચોંકી જશો!
Back to top button