ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં ખુલાસો, હોટલના રૂમ નંબર 201માં ભૂલથી ચાલી હતી ગોળી

Tiger Shroff Firing Case : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલામાં સામેલ આરોપીઓ અંધેરીની હોટલમાં ખોટાં નામ આપીને રોકાયા હતા. એટલું જ નહીં, હથિયારની તપાસ દરમિયાન હોટલના રૂમમાં ભૂલથી ગોળી છૂટી હતી, જે પલંગ પર વાગી હતી. તપાસમાં હોટલના CCTV ફૂટેજ અને આરોપીઓની અવરજવર અંગે મહત્ત્વની વિગતો સામે આવી છે.
હોટલમાં ખોટાં નામ આપીને રોકાયા હતા આરોપીઓ
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ અંધેરીની RR રેસિડેન્સી હોટલના રૂમ નંબર 201માં રોકાયા હતા. હોટલમાં નામ નોંધાવતી વખતે તેમણે પોતાની ઓળખ અંકિત અને મોહિત તરીકે આપી હતી. જોકે, તપાસમાં તેમની ઓળખ ફૂલ સિંહ અને રેહાન તરીકે થઈ હતી. તેમણે પોતે હરિયાણાના હિસારના રહેવાસી હોવાનું પણ જણાવ્યું હતું. હોટલના રૂમનું ભાડું પ્રતિદિન આશરે ₹1,500 હતું.
આરોપીઓ 14 ઑક્ટોબરે સવારે લગભગ 11થી 11:30 વાગ્યાની વચ્ચે હોટલમાં આવ્યા હતા અને 18 ઑક્ટોબરે સાંજે લગભગ 4થી 4:30 વાગ્યાની વચ્ચે ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસને હોટલના CCTV ફૂટેજમાંથી તેમની અવરજવર અંગે મહત્ત્વની માહિતી મળી છે.
હથિયારની તપાસ દરમિયાન રૂમમાં ચાલી ગઈ ગોળી
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફાયરિંગની ઘટના પહેલાં મુંબઈ નજીકના એક સ્થળે હથિયાર ચલાવીને તેની તપાસ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમણે આ અંગે માહિતી આપી હતી. એક આરોપીએ બે રાઉન્ડ અને બીજા આરોપીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત, હોટલના રૂમમાં હથિયારની તપાસ કરતી વખતે પણ ભૂલથી ગોળી છૂટી હતી, જે પલંગ પર વાગી હતી. આ ઘટનાએ તપાસમાં એક મહત્ત્વની કડી પૂરી પાડી છે.
ફાયરિંગ પહેલાં જુહુના વિસ્તારમાં ગયા હતા આરોપીઓ
CCTV ફૂટેજ અનુસાર, 18 ઑક્ટોબરે સાંજે લગભગ 4થી 4:15 વાગ્યાની વચ્ચે ત્રણ આરોપીઓ હોટલમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ જુહુના પુષ્પા પાર્ક ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ ગયા હતા, જ્યાં ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસના જણાવ્યા મુજબ, ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પીળા રંગની પલ્સર બાઇક 14થી 18 ઑક્ટોબર દરમિયાન હૃતિક નામનો આરોપી જુહુ ગલી-ગિલ્બર્ટ હિલ વિસ્તારથી હોટલ સુધી લાવતો હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન હોવાનો પોલીસનો દાવો
મુંબઈ પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અનિલ પંડિતના કહેવાથી કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના કોટાથી લાવવામાં આવેલા રેહાન ઉર્ફે સુક્કા, હૃતિક કુર્મી ઉર્ફે રોશન અને ફૂલ સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને 31 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે હથિયારોની શોધ, હુમલા પાછળનો હેતુ અને કાવતરાની વિગતો મેળવવા આરોપીઓની પૂછપરછ જરૂરી છે. તપાસમાં ઇલેક્ટ્રોનિક પુરાવા અને કોલ ડિટેઇલ રેકોર્ડ પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બે મોબાઇલ ફોન નષ્ટ કરી દીધા છે.
હથિયારોની સપ્લાય કરનારાઓ સુધી તપાસ
આ કેસમાં પોલીસની તપાસ હવે હથિયારોની સપ્લાય સાથે સંકળાયેલા નેટવર્ક સુધી પહોંચી છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આ મામલે વધુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓના આરોપ મુજબ, બે આરોપીઓ હથિયારો લેવા અમૃતસર ગયા હતા, જ્યારે બંને મહિલાઓ ટ્રેન મારફતે હથિયારો મુંબઈ લાવી હતી. અન્ય એક આરોપીએ મુંબઈમાં રહીને હુમલાખોરોને સ્થાનિક સ્તરે મદદ કરી હોવાનું પોલીસનું કહેવું છે.
ફાયરિંગમાં ઘાયલ વ્લોગરની સર્જરી
ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું. અભિનેતા આ હુમલામાં બચી ગયા હતા, પરંતુ તેમના ડ્રાઇવર અને ત્યાં હાજર એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.
ઘાયલ વ્લોગર ઉમેશ ચૌહાણના શરીરમાંથી ગોળી કાઢવા માટે બુધવારે કે.ઈ.એમ. હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. બીએમસીના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ તેમની સ્થિતિ સ્થિર છે અને તબીબો તેમની દેખરેખ રાખી રહ્યા છે. હાલમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હુમલા પાછળના કથિત કાવતરા, આરોપીઓના સંપર્કો અને હથિયારોની સપ્લાય અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : ટીવી ડિબેટમાં અપશબ્દો બોલ્યા તો તરત જ અવાજ મ્યૂટ! ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની કડક એડવાઇઝરી












