ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટીવી ડિબેટમાં અપશબ્દો બોલ્યા તો તરત જ અવાજ મ્યૂટ! ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની કડક એડવાઇઝરી

TV News Channels Advisory: ન્યૂઝ ચેનલો પર ચાલતી ગરમાગરમ ચર્ચાઓ અને લાઇવ ડિબેટ દરમિયાન હવે અપશબ્દો બોલનાર પેનલિસ્ટનો અવાજ તાત્કાલિક મ્યૂટ થઈ શકે છે. કેન્દ્ર સરકારે ટીવી ચેનલો પર પ્રસારિત થતા કાર્યક્રમોની ભાષા, રજૂઆત અને વિશ્વસનીયતાને લઈને કડક વલણ અપનાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે નવી એડવાઇઝરી જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે લાઇવ ડિબેટમાં ગાળાગાળી, અપમાનજનક કે ઉશ્કેરણીજનક નિવેદનો પ્રસારિત થતાં રોકવા જરૂરી પગલાં લેવામાં આવે. જરૂર પડે તો સંબંધિત વ્યક્તિનો અવાજ મ્યૂટ કરવો, કાર્યક્રમ વચ્ચે અટકાવવો અથવા લાઇવ ફીડ બંધ કરી દેવી. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અને ગુનાહિત ઘટનાઓના રિપોર્ટિંગ અંગે પણ ચેનલોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ટીવી ડિબેટમાં ગાળાગાળી કે ઉશ્કેરણીજનક નિવેદનો નહીં ચલાવાય

માહિતી અને પ્રસારણ મંત્રાલયે બુધવાર, 21 ઓક્ટોબરે ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો માટે જાહેર કરેલી એડવાઇઝરીમાં લાઇવ ડિબેટ અને પેનલ ડિસ્કશનને લઈને વિશેષ સૂચનાઓ આપી છે. સરકારે જણાવ્યું છે કે ટીવી પર ચર્ચા માટે બોલાવવામાં આવતા નિષ્ણાતો અને અન્ય પેનલિસ્ટની પસંદગી કરતી વખતે ચેનલોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. ચર્ચા દરમિયાન કોઈ વ્યક્તિ સાંપ્રદાયિક, અપમાનજનક અથવા ભડકાઉ ભાષાનો ઉપયોગ ન કરે તે માટે પૂરતું સંપાદકીય નિયંત્રણ હોવું જરૂરી છે. જો કોઈ પેનલિસ્ટ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે તો ચેનલ તાત્કાલિક તેનો અવાજ મ્યૂટ કરી શકે છે. પરિસ્થિતિ ગંભીર બને તો ડિસ્ક્લેમર દર્શાવવો, ચર્ચા અટકાવવી અથવા સંબંધિત ફીડ બંધ કરી દેવા જેવા પગલાં લેવા સરકારે જણાવ્યું છે.

AIથી તૈયાર થતા સમાચારો અંગે પણ સરકાર સતર્ક

ટીવી ન્યૂઝ ચેનલો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જનરેટિવ AIનો વધતો ઉપયોગ પણ સરકારની ચિંતાનો વિષય બન્યો છે. આજકાલ અનેક ચેનલો સમાચાર માટે ગ્રાફિક્સ, વર્ચ્યુઅલ ન્યૂઝ પ્રેઝન્ટેશન અને અન્ય વિઝ્યુઅલ સામગ્રી તૈયાર કરવા AIનો ઉપયોગ કરે છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે AIનો ઉપયોગ સમાચાર તૈયાર કરવામાં સહાયક સાધન તરીકે થઈ શકે છે, પરંતુ તેના કારણે સમાચારની સત્યતા, વિશ્વસનીયતા અથવા સંવેદનશીલતા સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં. ખાસ કરીને AIથી બનાવેલી તસવીરો કે દૃશ્યોને કારણે દર્શકોમાં ગેરસમજ ન ફેલાય અને ખોટી માહિતી પ્રસારિત ન થાય તેની જવાબદારી ચેનલોની રહેશે.

આતંકવાદ વિરોધી ઓપરેશનનું લાઇવ પ્રસારણ નહીં કરી શકાય

કેન્દ્ર સરકારે સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવતા આતંકવાદ વિરોધી ઓપરેશનના લાઇવ પ્રસારણ પરના પ્રતિબંધનું ફરીથી સ્મરણ કરાવ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે આવા સંવેદનશીલ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોની હિલચાલ અથવા કાર્યવાહીનું સીધું પ્રસારણ કરી શકાશે નહીં. ઓપરેશન પૂરું ન થાય ત્યાં સુધી માત્ર અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવતી માહિતીના આધારે જ સમાચાર પ્રસારિત કરવાના રહેશે. આ નિયમોનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાનો અને કોઈપણ સંવેદનશીલ માહિતીના પ્રસારણથી સુરક્ષા દળોની કામગીરીને નુકસાન ન પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.

ગુના અને હિંસાના સમાચારોને સનસનાટીભર્યા ન બનાવો

સરકારે ગુનાહિત ઘટનાઓ, હત્યા, અકસ્માત અને હિંસાના સમાચારોના પ્રસારણ અંગે પણ ચેતવણી આપી છે. એડવાઇઝરીમાં જણાવાયું છે કે ગુના અને હિંસાના બનાવોને બિનજરૂરી રીતે સનસનાટીભર્યા બનાવી રજૂ કરવાથી બચવું જોઈએ. ખાસ કરીને લોહિયાળ, ભયાનક કે દર્શકોને વિચલિત કરી શકે તેવાં દૃશ્યો વારંવાર દર્શાવવાનું ટાળવું જોઈએ. આવા દૃશ્યો પ્રસારિત કરવા જરૂરી હોય તો યોગ્ય સાવચેતી રાખવી અને સંવેદનશીલ ભાગોને બ્લર કરવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કુદરતી આફતોના સમાચારમાં સાચી માહિતી આપવી જરૂરી

કુદરતી આફતો, પૂર, ભૂકંપ અને મોટા અકસ્માતોના સમાચાર પ્રસારિત કરતી વખતે પણ ચેનલોને વિશેષ સાવચેતી રાખવા જણાવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ અંગે માત્ર ચકાસેલી માહિતી જ દર્શાવવી જોઈએ. જૂના વીડિયો અથવા અન્ય ઘટનાઓના દૃશ્યોને વર્તમાન ઘટનાના નામે રજૂ ન કરવામાં આવે તે માટે જરૂરી હોય ત્યાં સમય અને તારીખનો ઉલ્લેખ કરવો જોઈએ. ખોટી કે અધૂરી માહિતીથી લોકોમાં ગભરાટ ન ફેલાય તેની જવાબદારી પણ સમાચાર માધ્યમોની રહેશે.

જાતીય ગુનાના પીડિતોની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાતીય ગુનાઓના પીડિતોની ઓળખ ગુપ્ત રાખવા અંગેના કાનૂની નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે. કોઈપણ ન્યૂઝ ચેનલ પીડિતનું નામ, તસવીર, પરિવારની વિગતો, રહેઠાણનો વિસ્તાર અથવા એવી કોઈ માહિતી જાહેર નહીં કરે જેનાથી પીડિતની સીધી કે આડકતરી ઓળખ થઈ શકે. સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો અને લાગુ કાનૂની જોગવાઈઓનું પાલન કરવા જણાવ્યું છે.

ભારતના નકશા અંગે પણ ચેનલોને સૂચના

સરકારની એડવાઇઝરીમાં ભારતના નકશાની સાચી રજૂઆત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટીવી ચેનલોએ સમાચાર, ગ્રાફિક્સ અને અન્ય કાર્યક્રમોમાં માત્ર સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત પ્રમાણિત નકશાનો ઉપયોગ કરવો જોઈએ. મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા માટે દેશની ભૌગોલિક સીમાઓની યોગ્ય રજૂઆત અનિવાર્ય છે.

નિયમો તોડનાર ન્યૂઝ ચેનલો સામે કાર્યવાહી થઈ શકે

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે કેટલીક ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો દ્વારા કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ નિયમો, 1994 હેઠળ નિર્ધારિત પ્રોગ્રામ કોડનું પાલન કરવામાં આવતું નથી. આંતરવિભાગીય સમિતિએ પણ કેટલાક કાર્યક્રમોની ભાષા અને રજૂઆત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટીવી કાર્યક્રમોમાં અયોગ્ય વર્તન અને ભાષાને સામાન્ય બાબત તરીકે સ્વીકારી શકાય નહીં. ચેનલોને પોતાની સંપાદકીય સમીક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા સમાચાર એકત્રિત કરવાથી લઈને પ્રસારણ સુધીના તમામ કર્મચારીઓને નિયમો અંગે તાલીમ આપવા સૂચના આપવામાં આવી છે. સરકારે ચેતવણી આપી છે કે નિયમોનું ઉલ્લંઘન થશે તો લાગુ કાયદા અને નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ એડવાઇઝરીનો મુખ્ય ઉદ્દેશ જવાબદાર પત્રકારત્વ, સમાચારની વિશ્વસનીયતા અને સંવેદનશીલ મુદ્દાઓના યોગ્ય પ્રસારણને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચોઃ સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર ભીષણ હુમલો, એક ભારતીયનું મોત અને 2 ઘાયલ
Back to top button