Meta પર ₹2.3 લાખ કરોડનો ઐતિહાસિક દંડ! યુઝર્સની પ્રાઇવસી સાથે ચેડાં કરવાનું ભારે પડ્યું

Meta Fine: વિશ્વની અગ્રણી સોશિયલ મીડિયા કંપની Metaને યુઝર્સની પ્રાઇવસી સાથે જોડાયેલા એક કેસમાં મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. અમેરિકાના ન્યૂ મેક્સિકોની કોર્ટે ફેસબુકની પેરેન્ટ કંપની Metaને 25 અબજ ડૉલર એટલે કે અંદાજે ₹2.3 લાખ કરોડનો જંગી દંડ ભરવાનો આદેશ આપ્યો છે. કંપનીએ યુઝર્સના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને પ્રાઇવસી અંગે ગેરમાર્ગે દોરનારા દાવા કર્યા હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું. 2018માં સામે આવેલા બહુચર્ચિત Cambridge Analytica ડેટા કૌભાંડ સાથે જોડાયેલા આ કેસમાં કોર્ટે અમેરિકાના કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા આર્થિક દંડ પૈકીનો એક દંડ ફટકાર્યો છે. જોકે Metaએ ચુકાદાનો વિરોધ કરીને તેની સામે અપીલ કરવાની જાહેરાત કરી છે.
આખરે Meta પર આટલો મોટો દંડ કેમ ફટકારાયો?
અમેરિકાના ન્યૂ મેક્સિકોની જિલ્લા અદાલતે ફેસબુકની ડેટા પ્રાઇવસી સંબંધિત કામગીરીને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે ફેસબુક દ્વારા યુઝર્સને તેમના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને ત્રીજી કંપનીઓને મળતી માહિતી અંગે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ન્યૂ મેક્સિકોના ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ Meta સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં કંપનીના અધિકારીઓ દ્વારા જાહેરમાં આપવામાં આવેલા નિવેદનો, ડેટા એકત્રિત કરવાની પદ્ધતિ અને હાનિકારક કન્ટેન્ટ અંગે કરવામાં આવેલા દાવાઓની તપાસ કરવામાં આવી હતી.
કોર્ટે તારણ આપ્યું હતું કે કંપનીની આવી કામગીરીને કારણે રાજ્યના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. તેથી કંપની પર 25 અબજ ડોલરનો આર્થિક દંડ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
4.38 કરોડથી વધુ વખત કાયદાના ઉલ્લંઘનનો ખુલાસો
આ કેસમાં સપ્ટેમ્બર 2026 દરમિયાન ન્યૂ મેક્સિકોની જ્યુરીએ Metaને રાજ્યના અનફેર પ્રેક્ટિસ એક્ટના કુલ 4,38,99,725 ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવી હતી. આ કાયદા હેઠળ દરેક ઇરાદાપૂર્વકના ઉલ્લંઘન માટે મહત્તમ 5,000 ડોલરનો દંડ થઈ શકે છે. આ આધારે કુલ સંભવિત દંડની રકમ લગભગ 219.5 અબજ ડોલર સુધી પહોંચી હતી. જોકે જિલ્લા અદાલતના જજ ફ્રાન્સિસ મેથ્યુએ અંતિમ ચુકાદામાં દંડની રકમ ઘટાડીને 25 અબજ ડોલર નક્કી કરી હતી. ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે કંપની દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનો ઇરાદાપૂર્વકના અને લાંબા સમયથી ચાલી રહેલા હતા. આ ઉપરાંત દંડની સંપૂર્ણ રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તેના પર વાર્ષિક 15 ટકાના દરે વ્યાજ લાગશે.
શું છે Cambridge Analytica ડેટા કૌભાંડ?
Meta સામેનો આ કેસ વર્ષ 2018માં સામે આવેલા Cambridge Analytica કૌભાંડ સાથે જોડાયેલો છે. આ કૌભાંડથી દુનિયાભરમાં ફેસબુકની ડેટા સુરક્ષા અને યુઝર્સની પ્રાઇવસી અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. બ્રિટનની રાજકીય સલાહકાર કંપની Cambridge Analytica પર આરોપ લાગ્યો હતો કે તેણે ફેસબુકના લગભગ 8.7 કરોડ યુઝર્સની વ્યક્તિગત માહિતી તેમની યોગ્ય સંમતિ વિના મેળવી હતી. આ ડેટાનો ઉપયોગ લોકોની પસંદગી અને વર્તનનું વિશ્લેષણ કરવા તથા રાજકીય જાહેરાતોને લક્ષિત કરવા માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો.
આ કંપની 2016ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે પણ જોડાયેલી હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ ફેસબુકે ડેટા સુરક્ષા અને પારદર્શિતામાં સુધારો કરવાના વચનો આપ્યા હતા. જોકે ન્યૂ મેક્સિકોના કેસમાં એવો આરોપ મૂકાયો હતો કે કંપનીએ યુઝર્સને આપવામાં આવેલી ખાતરીઓનું યોગ્ય પાલન કર્યું નહોતું.
ફેસબુકના ટોચના મેનેજમેન્ટ સામે પણ ગંભીર ટિપ્પણી
ચુકાદામાં જજ ફ્રાન્સિસ મેથ્યુએ જણાવ્યું હતું કે ફેસબુક દ્વારા કરવામાં આવેલા ગેરમાર્ગે દોરનારા દાવાઓ માત્ર એક વ્યક્તિ કે એક ઘટનાને પૂરતા મર્યાદિત નહોતા. કંપનીના અધિકારીઓ દ્વારા લાંબા સમયગાળામાં વિવિધ માધ્યમોથી યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષા અંગે આપવામાં આવેલી માહિતી ભ્રામક હોવાનું જ્યુરીએ ઠેરવ્યું હતું. આ કેસમાં કુલ 29 નિવેદનોમાંથી 26 નિવેદનો ગેરમાર્ગે દોરનારા હોવાનું જ્યુરીએ માન્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરી ફેસબુકના મૂળ વ્યવસાય અને યુઝર્સના વિશ્વાસ સાથે સીધી રીતે જોડાયેલી છે.
ચુકાદા સામે અપીલ કરશે મેટા
આ જંગી દંડ સામે મેટાએ સખત વાંધો ઉઠાવ્યો છે. કંપનીના ચીફ લીગલ ઓફિસર સી.જે. મહોનીએ જણાવ્યું છે કે કંપની આ ચુકાદા સાથે સહમત નથી અને તેની સામે ઉપલી અદાલતમાં અપીલ કરશે. મેટાના જણાવ્યા અનુસાર આ ચુકાદાથી ન્યૂ મેક્સિકોમાં વ્યવસાય કરવાનું મુશ્કેલ બની શકે છે. કંપનીએ દલીલ કરી છે કે આ કેસ ઓનલાઇન અભિવ્યક્તિ અંગે નવા નિયમો લાદવાનો પ્રયાસ છે. કંપનીને વિશ્વાસ છે કે અપીલ દરમિયાન તેને રાહત મળશે. જોકે, અપીલની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દંડ સંબંધિત મામલો કાનૂની ચર્ચાનો વિષય બની રહેશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલે ચુકાદાને ગણાવ્યો ઐતિહાસિક
ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલ રાઉલ ટોરેઝે કોર્ટના આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મોટી ટેક્નોલોજી કંપનીઓ પણ કાયદાથી ઉપર નથી અને ગ્રાહકોની વ્યક્તિગત માહિતીના રક્ષણની જવાબદારીમાંથી છટકી શકે નહીં. તેમના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય દર્શાવે છે કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને તેમના ડેટાના ઉપયોગ અંગે ખોટી માહિતી આપવાના ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે. ન્યૂ મેક્સિકોની સરકારે આ કેસમાં અન્ય રાજ્યોની જેમ સમાધાન કરવાને બદલે સ્વતંત્ર રીતે કાનૂની લડત ચાલુ રાખી હતી.












