ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

30 વર્ષની ઉંમર પછી કેમ અચાનક વધવા લાગે છે હેરફોલ? આ ત્રણ કારણો છે જવાબદાર

  • હોર્મોનલ વધઘટ, જીવનશૈલીમાં ફેરફાર, પોષણની ઉણપ અને વધતી જતી જવાબદારીઓનો તણાવ, આ બધા કારણો વાળ ખરવામાં ફાળો આપે છે

HD ન્યુઝ ડેસ્કઃ 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી ઘણી સ્ત્રીઓને અચાનક વાળ ખરવા hairfall નો અનુભવ થવા લાગે છે. શરૂઆતમાં આ વાળ ખરવાનું સામાન્ય લાગે છે, પરંતુ ધીમે ધીમે વાળનો ગ્રોથ ઓછો થવા લાગે છે અને સ્કેલ્પ જોવા લાગે છે. મોટાભાગની સ્ત્રીઓ બદલાતા હવામાન, વધતી ઉંમર અથવા શેમ્પુ ચેન્જ થવાના કારણે થયેલી સમસ્યા માનીને તેને અવગણે છે. જોકે સત્ય એ છે કે 30 વર્ષની ઉંમરે શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જે વાળના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. હોર્મોનલ વધઘટ, જીવનશૈલીમાં ફેરફાર, પોષણની ઉણપ અને વધતી જતી જવાબદારીઓનો તણાવ, આ બધા કારણો વાળ ખરવામાં ફાળો આપે છે. જ્યારે સ્ત્રીઓ ફક્ત બાહ્ય હેર કેર ઉત્પાદનો પર આધાર રાખે છે અને મૂળ કારણોને સમજવામાં નિષ્ફળ જાય છે ત્યારે સમસ્યા વધુ ગંભીર બની જાય છે.

30 પ્લસ લેડીઝ માટે હેરફોલ એક મોટી સમસ્યા તો છે જ. તાત્કાલિક ધ્યાન આપવામાં ન આવે તો, વાળની ​​સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. તેને થોડી કેર કરીને દૂર કરી શકાય છે.

હોર્મોનલ ફેરફારો અને પોષક તત્વોની ઉણપ

30 વર્ષની ઉંમર પછી ખાસ કરીને થાઈરોઈડની સમસ્યાઓ, PCOS અથવા પ્રેગનન્સી પછી, સ્ત્રીઓના શરીરમાં નોંધપાત્ર હોર્મોનલ ફેરફારોનો અનુભવ થાય છે. વધુમાં, આયર્ન, વિટામિન D, B12 અને પ્રોટીનની ઉણપ વાળના ફોલિકલ્સને નબળી પાડે છે. ઘણી સ્ત્રીઓ નિયમિત તપાસ અથવા યોગ્ય આહારની અવગણના કરે છે, જેના કારણે વાળ ખરવાનું પ્રમાણ ધીમે ધીમે વધે છે.

શું કરવું? આનાથી બચવા માટે, તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, બદામ, સિડ્સ અને ડેરી પ્રોડક્ટનો સમાવેશ કરો. નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો. જો જરૂરી હોય તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ લઈ શકો છો.

સ્કેલ્પ હેલ્થને નજરઅંદાજ કરવી

મોટાભાગની સ્ત્રીઓ પોતાના વાળ ધોવા અને કન્ડીશનીંગ કરવા સુધી જ મર્યાદિત રહે છે, પરંતુ સ્કેલ્પની સંભાળ રાખતી નથી. ગંદકી, પ્રોડક્ટ બિલ્ડઅપ, ડેન્ડ્રફ અને સ્કેલ્પમાં સોજો વાળના વિકાસને અવરોધી શકે છે. 30 વર્ષની ઉંમરે સ્કેલ્પનું નેચરલ ઓઈલ બેલેન્સ પણ બદલાઈ જાય છે, જેના કારણે મૂળને યોગ્ય પોષણ મળતું નથી.

શું કરવું? નિયમિતપણે સ્કેલ્પ ક્લિન્ઝિંગ કરો અથવા ઓઈલિંગ કરો. તમારા મૂળ પર ભાર ન આવે તે માટે ભારે સ્ટાઇલિંગ ઉત્પાદનો અને હીટ ટૂલ્સનો ઉપયોગ મર્યાદિત કરો.

ઊંઘ અને સ્ટ્રેસની સમસ્યાઓ

કામ,ઘર અને વ્યક્તિગત જવાબદારીઓને કારણે 30 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ ઘણીવાર ઊંઘ અને માનસિક શાંતિની અવગણના કરે છે. લાંબા સમય સુધી તણાવ કોર્ટિસોલનું સ્તર વધારે છે, જે હેર ગ્રોથ સાઈકલને અસર કરે છે. ઓછી ઉંઘ વાળની રિપેર પ્રોસેસને પણ ધીમી પાડે છે, જેના કારણે વાળ પાતળા અને નબળા પડી જાય છે.

શું કરવું? દરરોજ 7-8 કલાકની ઊંઘ લો અને યોગ, પ્રાણાયામ અથવા ધ્યાનને તમારી દિનચર્યામાં સામેલ કરો. તમારા માટે સમય કાઢવો અને તમારા મનને આરામ આપવો પણ વાળ ખરવાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

નિષ્કર્ષ: 30 વર્ષની ઉંમર પછી વાળ ખરવા એ અચાનક થતી સમસ્યા નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી, ઉપેક્ષિત આદતોનું પરિણામ છે. આ સમસ્યાને યોગ્ય આહાર, માથાની ચામડીની સંભાળ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સમયસર તપાસ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. વધુ તકલીફ હોય તો નિષ્ણાતની સલાહ લઈ શકો છો.

આ પણ વાંચોઃ હેલમેટ ગંદુ થયું છે? બેડ સ્મેલ આવી રહી છે? આ સરળ રીતે કરો ક્લીન

Back to top button