WEFનો રિપોર્ટઃ ફિનટેકમાં ટોચનું પ્રદર્શન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ, AIથી વધી ઝડપ

નવી દિલ્હી, 26 જૂન, 2025: ફિનટેક (નાણાંકીય ટેકનોલોજી) ક્ષેત્રે ભારતનો ટોચના પ્રદર્શન કરનારા દેશોની યાદીમાં અમેરિકા અને યુકે સાથે સમાવેશ થયો છે. “નફાકારકતા અને સમાવેશીતામાં મજબૂતાઈ વચ્ચે ફિનટેક ક્ષેત્રમાં વૃદ્ધિ સ્થિર થઈ રહી છે. AI અપનાવવાથી કામગીરીમાં સુધારો થઈ રહ્યો છે,” એમ ચીનના તિયાનજિનમાં ન્યૂ ચેમ્પિયન્સ વાર્ષિક બેઠકમાં પ્રકાશિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અભ્યાસમાં જણાવાયું છે.
રિપોર્ટના અનુસાર કોરોના મહામારી બાદ મંદી હોવા છતાં ફિનેટક ક્ષેત્ર વંચિત વર્ગો સુધી પહોંચીને મજબૂત અને ટકાઉ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ફિનટેકમાં ટોચનું પ્રદર્શન કરનારા દેશોમાં ભારત સાથે બ્રિટન, અમેરિકા, સિંગાપુર, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. તેમાં દરેક દેશમાં 10થી વધુ કંપનીઓનું વડુમથક છે અને આ ફિનેટેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. WEFના અનુસાર આ દેશો સિવાય સંયુક્ત આરબ અમીરાત, કોલંબિયા, મેક્સિકો અને જર્મની પણ ફિનટેક ક્ષેત્રોમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે.
નાણાંકીય કામગીરી મજબૂત
રિપોર્ટ મુજબ, 240 ફિનટેક કંપનીઓના વૈશ્વિક સર્વેક્ષણ દર્શાવે છે કે ગ્રાહક વૃદ્ધિ 37 ટકા પર સ્થિર છે. આવક અને નફામાં વૃદ્ધિ અનુક્રમે 40 ટકા અને 39 ટકા છે.
MSME અને મહિલાઓ ફિનટેકનો મુખ્ય ભાગ છે
સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ અને મહિલાઓ ફિનટેકના ગ્રાહક આધારનો નોંધપાત્ર ભાગ છે (અનુક્રમે 57 ટકા, 47 ટકા અને 41 ટકા). ખાસ કરીને ઉભરતા બજારો અને વિકસતા અર્થતંત્રો (EMDEs)માં તેઓ ફિનટેકના નફામાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.
83 ટકા ફિનટેક કંપનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ગ્રાહકનો સારો અનુભવ પ્રાપ્ત કર્યો છે. લગભગ ત્રણ-ચતુર્થાંશ લોકો માનતા હતા કે ઉચ્ચ નફાકારકતા અને ઓછો ખર્ચ એ AIના મુખ્ય ફાયદા છે.
આર્થિક પરિસ્થિતિઓ એક મોટો પડકાર, જોકે 2024 કરતા ઓછો
રિપોર્ટ મુજબ, મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓ વૃદ્ધિ માટે સૌથી મોટો પડકાર રહી છે. જોકે, ફક્ત 18 ટકા લોકો આ પડકારને અવરોધ માને છે, જે 2024માં 56 ટકા હતો. ભંડોળ અંગેની ચિંતાઓ પણ ઓછી થઈ છે. હવે ફક્ત 12 ટકા લોકો તેને અવરોધ માને છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 40 ટકા હતો.
આ પણ વાંચોઃ તમારા આધાર કાર્ડ પર કોઈ નકલી SIM કાર્ડ તો નથી વાપરી રહ્યું ને? આ રીતે ઘરે બેઠા જ થઈ જશે તુરંત જાણ












