ફરી કોર્ટના ચક્કરમાં ફસાયા રાહુલ ગાંધીઃ સાવરકરના પ્રપૌત્રએ પુણે હાઇકોર્ટમાં કરી અરજી
નવી દિલ્હીઃ 14 ઓગસ્ટ, 2025: Rahul Gandhi Savarkar Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકર વારા દાખલ માનહાનિ કેસ મામલે ફરિયાદીએ પુણે સમક્ષ એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે, રાહુલે મહત્ત્વના પુરાવા મેળવવા અંગે જાણી જોઈને કોર્ટને ગુમરાહ કરી છે.
સત્યકીએ 13 ઓગસ્ટ, 2025ના દિવસે આ અરજી દાખલ કરી હતી. આ કેસ પુણેના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટ) માં ચાલી રહ્યો છે. સત્યકી સાવરકરે દાવો કર્યો કે, રાહુલ ગાંધીએ જાણી જોઈને કોર્ટને માનહાનિવાળા ભાષણનો વીડિયો નથી એવું કહીને ગુમરાહ કરી. આ અંગે સત્યકીએ પુરાવા રજૂ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીના વકીલે પહેલાં વીડિયો મળી ગયો હોવાની કબૂલાત કરી હતી.
ખોટી ગવાહીનો આરોપ
આ કેસમાં સત્યકી સાવરકરના વકીલ સંગ્રામ કોલહટકરે કોર્ટમાં જણાવ્યું કે, 29 જુલાઈ, 2025ના દિવસે રાહુલ ગાંધીએ 15 પાનાનું નિવેદન નોંધાવ્યું હતું. જેમાં તેમણે એ માનવાનો ઈનકાર કર્યો હતો કે, વીર સાવરકર વિશે કથિત માનહાનિકારક ભાષણનો વીડિયો મળી ગયો છે.
સત્યકી સાવરકરનો આરોપ છે કે, ‘રાહુલ ગાંધીનો આ દાવો ખોટો છે અને તેમણે જાણીજોઈને કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ ખોટા રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી જવાબદેહીથી બચી શકે.’ તેમણે કોર્ટને આ મામલાને ગંભીરતાથી લેવાની અપીલ કરી હતી.
રાહુલે આપ્યો વળતો જવાબ
નોંધનીય છે કે, 30 જુલાઈ, 2025ના દિવસે રાહુલ ગાંધીએ પણ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે સત્યકી સાવરકર સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. તેમનો આરોપ હતો કે, સત્યકીએ વારંવાર કોર્ટના નિર્દેશનું ઉલ્લંઘન કર્યું છે. તેઓ સાવરકરવાળા નિવેદન પર ભાષણની મૂળ સીડી અને એક પ્રમાણિત નકલ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
શું છે કેસની વિગત
9 મે, 2025ના દિવસે, રાહુલ ગાંધીના વકીલે સીડી સહિત તમામ દસ્તાવેજો મળ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ, રાહુલ ગાંધીએ પેનડ્રાઈવ મળ્યાની કબૂલાત કરી હતી, પરંતુ કહ્યું હતું કે તે કાર્યરત નથી. બાદમાં, બીજી પેનડ્રાઇવ આપવામાં આવી હતી જે કોર્ટમાં રાહુલના વકીલની હાજરીમાં સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી. 28 મે, 2025ના દિવસે બીજી અરજીમાં, રાહુલ ગાંધીએ ફરી પેનડ્રાઇવ મળ્યાની કબૂલાત કરી હતી, પરંતુ માલવેરના ડરને કારણે તેને ચલાવવાનો ઇનકાર કર્યો હતો અને તેને પરત કરી દીધી હતી. હવે આ પેનડ્રાઇવ કોર્ટ પાસે છે.
આ પણ વાંચોઃ સુરતમાં રીઢા આરોપી જાવેદનું પોલીસે કાઢ્યું સરઘસ, આઝાદનગરમાં મચાવ્યો હતો આતંક
આ પણ વાંચોઃ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લાગી ભીષણ આગઃ ફાયર વિભાગની 10 ટીમ પહોંચી ઘટનાસ્થળે












