જય શાહ ફરી બન્યા ICCના ચેરમેન! સતત બીજી વખત બિનહરીફ વરણી, ક્રિકેટ જગતમાં ભારતનો દબદબો યથાવત

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જય શાહને ફરી એકવાર ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે તેઓ સતત બીજી વખત આ વૈશ્વિક ક્રિકેટ સંસ્થાની કમાન સંભાળશે. બાલીમાં યોજાયેલી ICC બોર્ડ અને કમિટીની બેઠકમાં તમામ ડિરેક્ટર્સે તેમના નામનું સમર્થન કર્યું હતું. તેમની સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી જય શાહની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ICCએ જય શાહના નેતૃત્વ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
જય શાહની બીજી વખત ચેરમેન તરીકે પસંદગી અંગે ICCએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર માહિતી આપી હતી. સંસ્થાએ જણાવ્યું હતું કે બાલીમાં યોજાયેલી બેઠકમાં તમામ ડિરેક્ટર્સના પ્રસ્તાવ બાદ જય શાહને બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.
ICCના જણાવ્યા અનુસાર, આ નિર્ણય તેમના નેતૃત્વ પર બોર્ડના વિશ્વાસને દર્શાવે છે. ક્રિકેટ માટે આ મહત્વપૂર્ણ સમયગાળામાં રમતનો વિશ્વભરમાં વ્યાપ વધારવો, વધુ ચાહકોને જોડવા અને ભવિષ્યમાં આવકના નવા રસ્તા ઊભા કરવા માટે તેમનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહેશે.
‘ICCના ચેરમેન તરીકે કામ કરવું મારા માટે ગર્વની વાત’
બીજા કાર્યકાળ માટે પસંદગી થયા બાદ જય શાહે કહ્યું કે ICCના ચેરમેન તરીકે કામ કરવું તેમના માટે ગર્વની સાથે મોટી જવાબદારી પણ છે. વિશ્વભરમાં ક્રિકેટને આગળ વધારવા માટે તેઓ તમામ સભ્ય દેશો સાથે મળીને કામ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ક્રિકેટ હાલમાં ખૂબ જ રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વર્ષ 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવાથી આ રમતને નવા દર્શકો સુધી પહોંચાડવાની મોટી તક મળશે.
જય શાહે સ્પષ્ટ કર્યું કે તેમની જવાબદારી માત્ર મોટી ટુર્નામેન્ટના આયોજન સુધી મર્યાદિત નથી. ક્રિકેટનું ભવિષ્ય વધુ મજબૂત બને તે માટે ખેલાડીઓ, ચાહકો, બિઝનેસ પાર્ટનર્સ અને રમત સાથે જોડાયેલા તમામ લોકોના હિતોનું ધ્યાન રાખવું પણ તેમની પ્રાથમિકતા રહેશે.
36 વર્ષની ઉંમરે બન્યા હતા ICCના સૌથી યુવા ચેરમેન
જય શાહ વર્ષ 2024માં પ્રથમ વખત ICCના ચેરમેન બન્યા હતા. તેમણે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું હતું. માત્ર 36 વર્ષની ઉંમરે આ પદ સંભાળીને તેઓ ICCના ઇતિહાસમાં સૌથી યુવા ચેરમેન બન્યા હતા.
જય શાહ ICCના વડા બનનારા પાંચમા ભારતીય છે. તેમના પહેલાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર આ પદની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 પહેલાં આ પદને ‘પ્રેસિડેન્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ ત્યારબાદ તેનું નામ બદલીને ‘ચેરમેન’ કરવામાં આવ્યું હતું.
જય શાહની બીજી વખતની વરણી સાથે હવે ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ, ઓલિમ્પિકમાં રમતની હાજરી અને નવા બજારોમાં ક્રિકેટની લોકપ્રિયતા વધારવા પર ખાસ ધ્યાન રહેવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ચાંદી ₹5,700થી વધુ તૂટી, સોનું પણ ₹956 સસ્તું












