ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ચાંદી ₹5,700થી વધુ તૂટી, સોનું પણ ₹956 સસ્તું

નવી દિલ્હી: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સોમવારે, 16 નવેમ્બરના રોજ બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ફરી મોટો ઘટાડો નોંધાયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી એક જ ઝટકામાં ₹5,700થી વધુ તૂટી હતી, જ્યારે સોનાના ભાવમાં પણ આશરે ₹1,000નો ઘટાડો થયો હતો. ગયા સપ્તાહે પણ સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો તમે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો જાણો દેશનાં મુખ્ય શહેરોમાં 22 અને 24 કેરેટ સોનાના તાજા ભાવ.

MCX પર ચાંદી ₹5,709 તૂટી

સોમવારે સવારે 10 વાગ્યે MCX પર ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ચાંદી ₹5,709 એટલે કે 3.20 ટકાના ઘટાડા સાથે ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹1,70,600 પર પહોંચી હતી. અગાઉના દિવસોમાં પણ ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. માંગમાં સુસ્તી અને આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણને કારણે ચાંદીના ભાવ પર અસર પડી રહી હોવાનું માનવામાં આવે છે.

સોનાના ભાવમાં પણ ઘટાડો યથાવત

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. સોમવારે સવારે 10 વાગ્યે MCX પર સોનું ₹956 એટલે કે 0.70 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,35,749 પર ટ્રેડ થઈ રહ્યું હતું.

બીજી તરફ, છૂટક બજારમાં 16 નવેમ્બરની સવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,36,950 અને મુંબઈમાં ₹1,36,800 નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ 3,874.42 ડોલર હતો.

ગયા સપ્તાહે પણ સોનું થયું હતું સસ્તું

ગયા સપ્તાહ દરમિયાન પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹5,950 સુધી અને 22 કેરેટ સોનું ₹5,450 સુધી સસ્તું થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં આશરે 4.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

દિલ્હીથી ચેન્નાઈ સુધી જાણો 22 અને 24 કેરેટ સોનાના ભાવ

16 નવેમ્બર, 2026ના રોજ દેશનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવ નીચે મુજબ છે:

શહેર 24 કેરેટ (10 ગ્રામ) 22 કેરેટ (10 ગ્રામ)
દિલ્હી ₹1,36,950 ₹1,25,550
મુંબઈ ₹1,36,800 ₹1,25,400
કોલકાતા ₹1,36,800 ₹1,25,400
ચેન્નાઈ ₹1,36,800 ₹1,25,400
બેંગલુરુ ₹1,36,800 ₹1,25,400

દાગીના ખરીદતા પહેલાં આ વાત ખાસ ધ્યાનમાં રાખજો

સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઉપર જણાવેલા સોનાના છૂટક ભાવમાં જ્વેલરી મેકિંગ ચાર્જ અને GSTનો સમાવેશ થતો નથી. અલગ-અલગ જ્વેલર્સ પાસે અંતિમ કિંમતમાં તફાવત હોઈ શકે છે. તેથી દાગીના ખરીદતાં પહેલાં તમારા શહેરના જ્વેલર પાસેથી તે દિવસનો તાજો ભાવ અને તમામ વધારાના ચાર્જની માહિતી જરૂર મેળવી લેવી.

આ પણ વાંચો: ઝેરી ફીણની વચ્ચે છઠ પૂજા! યમુનાના પ્રદૂષિત પાણીમાં ઊભા રહી ભક્તોએ આપ્યું સૂર્યદેવને અર્ઘ્ય, દિલ્હીનું તંત્ર ચિંતામાં

Back to top button