ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝેરી ફીણની વચ્ચે છઠ પૂજા! યમુનાના પ્રદૂષિત પાણીમાં ઊભા રહી ભક્તોએ આપ્યું સૂર્યદેવને અર્ઘ્ય, દિલ્હીનું તંત્ર ચિંતામાં

નવી દિલ્હી: દિલ્હીમાં હવા અને પાણીના ભયાનક પ્રદૂષણ વચ્ચે છઠ પૂજાના સમાપન પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ યમુના નદીના કિનારે ઉમટી પડ્યા હતા. રવિવારે વહેલી સવારે પરંપરાગત વસ્ત્રો પહેરીને ભક્તો નદીમાં ઊતર્યા અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું. જોકે, નદીના પાણી પર તરતા ઝેરી સફેદ ઝાગના દૃશ્યે પ્રદૂષણની ગંભીર સ્થિતિને ફરી એકવાર ઉજાગર કરી હતી.

ઝેરી ઝાગ વચ્ચે ભક્તોએ કરી છઠ પૂજા

યમુનાના પ્રદૂષિત પાણીમાં સફેદ ઝાગનું જાડું પડ જોવા મળ્યું હતું. અનેક ભક્તો ઘૂંટણ સુધીના ઝાગવાળા પાણીમાં ઊભા રહીને પૂજાવિધિ કરતા નજરે પડ્યા હતા. તેઓ પૂજા માટે ફૂલ, તાજાં ફળ અને અન્ય સામગ્રી સાથે આવ્યા હતા. નદીની દુર્ગંધ અને પ્રદૂષણ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ પરંપરા નિભાવી હતી. કેટલાક યુવતીઓ ઝાગવાળા પાણીની વચ્ચે સેલ્ફી લેતી પણ જોવા મળી હતી.

ગાઢ સ્મોગના કારણે સૂર્યદર્શન પણ ન થયું

દિલ્હીમાં હવાની ગુણવત્તા ત્રણ વર્ષના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ હતી. શહેર પર ગાઢ સ્મોગ છવાયેલો હોવાથી ભક્તોને ઉગતા સૂર્યનાં સ્પષ્ટ દર્શન પણ થઈ શક્યાં નહોતાં. પ્રદૂષણના કારણે દૃશ્યતા ઘટી હતી, જેના પગલે માર્ગ અને હવાઈ પરિવહન પર પણ અસર પડી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ પણ છઠ પૂજામાં ભાગ લીધો હતો અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. કેજરીવાલે દિલ્હીની પ્રદૂષણની સ્થિતિને ‘સહનશક્તિ બહાર’ ગણાવી હતી અને કહ્યું હતું કે લોકોની કોઈ ભૂલ ન હોવા છતાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

છઠ પૂજા માટે 1,100થી વધુ ઘાટ તૈયાર કરાયા

દિલ્હી સરકારે છઠ પૂજાને ધ્યાનમાં રાખીને યમુના કિનારે, શહેરનાં વિવિધ પાર્ક અને જાહેર સ્થળોએ 1,100થી વધુ ઘાટ તૈયાર કર્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ આ સ્થળોએ પૂજાવિધિ કરી હતી.

યમુનામાં પ્રદૂષણનું ગંભીર સંકટ

દિલ્હીને પાણી પૂરું પાડતી યમુના દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાંની એક છે. અહેવાલ મુજબ, રાજધાનીના 19 નાળાનું ગંદુ પાણી નદીમાં ભળે છે, જે યમુનાના કુલ પ્રદૂષણમાં આશરે 96 ટકા હિસ્સો ધરાવે છે. નદીમાં છોડવામાં આવતા ગંદા પાણીમાંથી માત્ર પાંચ ટકા પાણીની જ શુદ્ધિકરણ પ્રક્રિયા થતી હોવાનું જણાવાયું છે.

આ સ્થિતિને કારણે યમુનાનું પાણી લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. એક તરફ ભક્તો આસ્થાપૂર્વક નદીમાં ઊતરીને પૂજા કરી રહ્યા હતા, તો બીજી તરફ ઝેરી ઝાગ અને પ્રદૂષિત પાણી દિલ્હીની પર્યાવરણ વ્યવસ્થાની ચિંતાજનક તસવીર રજૂ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મોટી રાહત! શીલજ જંકશન પર બની રહ્યો છે ₹120 કરોડના ખર્ચે 6 લેનનો ઓવરબ્રિજ

Back to top button