
Vadodara Crime: વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મેડિકલ સ્ટોર પાસેથી દવા લઈને પરત ફરી રહેલા 23 વર્ષીય યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ પહેલા યુવક સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો અને ત્યારબાદ એક શખ્સે ચપ્પુ વડે શરીર તથા પીઠના ભાગે પાંચથી છ ઘા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માતાની દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયો હતો યુવક
નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આરજુખાન ઝમીરઅહેમદ પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 12 ઓગસ્ટના રોજ સાંજે આશરે સાડા સાત વાગ્યે તે નોકરી પરથી ઘરે પરત આવ્યો હતો.
તેની માતાની તબિયત ખરાબ હોવાથી ગેસની દવા લેવા માટે તે નવાયાર્ડ વિસ્તારમાં સિદ્ધાર્થ એલીગન્સ નજીક આવેલા મેડિકલ સ્ટોર પર ગયો હતો. દવા લીધા બાદ તે મેડિકલ સ્ટોરની બહાર ઊભો હતો ત્યારે સફેદ રંગના મોપેડ પર અબ્દુલ પઠાણ તેના બે મિત્રો સાથે ત્યાં આવ્યો હતો.
મોબાઇલ નંબર માગ્યા બાદ શરૂ થઈ બોલાચાલી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અબ્દુલે આરજુખાન પાસે તેનો મોબાઇલ નંબર માગ્યો હતો. યુવકે નંબર આપ્યા બાદ અબ્દુલે પોતાના ફોન પરથી મિસકોલ કર્યો અને ત્યારબાદ યુવકનો મોબાઇલ જોવા માગ્યો હતો.
આરજુખાને પોતાનો મોબાઇલ આપવાનો ઇનકાર કરતાં અબ્દુલ અને તેના બે સાથીદારો ઉશ્કેરાઈ ગયા હોવાનો આક્ષેપ છે. ત્રણેયે યુવકને ગાળો આપી ધમકી આપી હતી. પરિસ્થિતિ વણસતી જોઈ યુવક ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો.
ત્રણ શખ્સોએ પકડીને માર માર્યો
યુવક ત્યાંથી જવા લાગતાં ત્રણેય શખ્સોએ તેને રોકી લીધો હતો. ફરિયાદ મુજબ બે શખ્સોએ તેને પકડી રાખ્યો હતો, જ્યારે તેને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
યુવકે હુમલો કરવાનું કારણ પૂછતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન અબ્દુલ પઠાણે પોતાની પાસે રહેલું ધારદાર ચપ્પુ કાઢ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પીઠ અને શરીરના ભાગે પાંચથી છ ઘા
આરોપીએ ચપ્પુ વડે યુવકના શરીર અને પીઠના ભાગે એક પછી એક પાંચથી છ ઘા માર્યા હોવાનો આક્ષેપ છે. હુમલા દરમિયાન અન્ય બે શખ્સોએ યુવકને પકડી રાખ્યો હતો જેથી તે પોતાનો બચાવ ન કરી શકે.
ઘાયલ યુવકે મદદ માટે બૂમાબૂમ કરતાં તેનો મિત્ર અબ્દુલ તાબીબ પઠાણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે હુમલાખોરોથી યુવકને છોડાવ્યો હતો. અવાજ સાંભળી આસપાસના લોકો પણ ભેગા થવા લાગ્યા હતા.
લોકો ભેગા થતાં હુમલાખોરો ફરાર
સ્થળ પર લોકોની ભીડ એકત્ર થતાં ત્રણેય હુમલાખોરો મોપેડ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ચપ્પુના ઘાને કારણે યુવકના શરીર અને પીઠના ભાગેથી લોહી વહેવા લાગ્યું હતું અને તેની હાલત ગંભીર બની હતી.
યુવકના મિત્રે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ ઘાયલ યુવકને સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ફતેગંજ પોલીસે ત્રણ શખ્સોની શોધ શરૂ કરી
સમગ્ર ઘટનાને લઈને ફતેગંજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. આરોપી અબ્દુલ પઠાણ અને તેના બે સાથીદારોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ હવે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી દૃશ્યો, સાક્ષીઓના નિવેદનો તેમજ હુમલા પાછળ કોઈ જૂની અદાવત કે અન્ય કારણ હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સરદારનગરમાં જૂની અદાવત ફરી ભડકી, બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી; સામસામે ફરિયાદ












