ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે 15 લોકોના મૃત્યુ, એકલા દહેરાદૂનમાં જ 13 લોકોએ ગુમાવ્યો જીવ

ઉત્તરાખંડઃ 16 સપ્ટેમ્બર, 2025: Uttarakhand Cloudburst: ચોમાસાના વરસાદને કારણે, ઉત્તરાખંડમાં ભારે વિનાશ થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં આવેલી આ દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે. આમાંથી મોટાભાગના મૃત્યુ દહેરાદૂનમાં થયા છે. દહેરાદૂનમાં અલગ-અલગ સ્થળોએ થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થયા છે. 15થી વધુ લોકો ગુમ છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, નૈનિતાલ અને ઉધમ સિંહ નગરમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
400થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ
અત્યાર સુધીમાં, દહેરાદૂનમાં 400થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. NDRF અને SDRFની સંયુક્ત ટીમો અહીં સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. સૌથી વધુ મૃત્યુ દહેરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં થયા છે. અહીં આસન નદીમાં લગભગ 15 મજૂરો વહી ગયા હતા. SDRF એ આઠ મૃતદેહ બહાર કાઢ્યા છે. SDRF દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાંચ હજુ પણ ગુમ છે.
રસ્તા તણાયા
મળતી માહિતી મુજબ, આ બધા લોકો નદીમાં ખાણકામ કરવા ગયા હતા, પરંતુ નદીમાં પાણી વધારે હોવાથી, આ બધા લોકો તણાઈ ગયા. નોંધનીય છે કે, સહસ્ત્રધારાની ખીણોમાં પ્રકોપની જેમ વરસાદ વરસી રહ્યો છે. માલદેવતામાં સોંગ નદીમાં પણ પૂર આવ્યું છે. નદીએ દહેરાદૂન, માલદેવતા અને ટિહરી જતો રસ્તો તણાઈ ગયો છે.
રાહત કામમાં જોડાયું તંત્ર
10-15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે સોંગ નદી આટલા વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે. તે જ સમયે, SDRF, NDRF અને જાહેર બાંધકામ વિભાગની ટીમો સહસ્ત્રધારામાં JCB અને અન્ય જરૂરી સાધનો સાથે રાહત કાર્યમાં રોકાયેલી છે.
આ પણ વાંચોઃ હોલિવૂડના ગોલ્ડન બોય તરીકે જાણીતા અભિનેતા અને દિગ્દર્શક રોબર્ટ રેડફોર્ડનું 89 વર્ષે નિધન
આ પણ વાંચોઃ ‘જો તમે સુવિધા નથી આપી શકતા તો ટ્રિબ્યુનલ બંધ કરી દો…’ SCએ કેન્દ્ર સરકારને લગાવી ફટકાર












