ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોત

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો. ગુજરાતથી યાત્રાળુઓને લઈ જતી એક બસ ટિહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં કુંજપુરી મંદિર પાસે અકસ્માતગ્રસ્ત થઈ. બસમાં 29 મુસાફરો સવાર હતા જેઓ ગુજરાતથી કુંજપુરી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માતના સમાચાર મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ.
બસ 70 મીટર ઊંડી કોતરમાં પડી
સોમવારે બપોરે, ટિહરી જિલ્લા નિયંત્રણ કક્ષે SDRF કોર્પ્સ કંટ્રોલ રૂમને જાણ કરી કે નરેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કુંજપુરી-હિંદોળાખલ નજીક એક બસ 70 મીટર ઊંડી કોતરમાં પડી ગઈ છે. બસમાં 29 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું હતું. SDRF કમાન્ડર અર્પણ યદુવંશીની સૂચનાના નિર્દેશ અનુસાર, પોસ્ટ ધલવાલા, પોસ્ટ કોટી કોલોની અને SDRF કોર્પ્સ હેડક્વાર્ટરથી SDRFની પાંચ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ.
ચાર પુરુષો અને એક મહિલાનું મોત
સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બસમાંથી ઘાયલોને બચાવવાનું શરૂ કર્યું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી બ્રિજેશ ભટ્ટે જણાવ્યું કે, અકસ્માતમાં પાંચ લોકો, જેમાં ચાર પુરુષો અને એક મહિલાનું મોત થયું છે. ત્રણ ઘાયલોને ઋષિકેશના એઈમ્સમાં અને ચાર અન્યને નરેન્દ્રનગરની શ્રીદેવ સુમન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સત્તર લોકો સ્વસ્થ છે.
પુષ્કર સિંહ ધામીએ કહ્યું….
આ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે, ટિહરીના નરેન્દ્ર નગરમાં કુંજપુરી મંદિર પાસે બસ અકસ્માતના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, દિવંગત આત્માઓને તેમના દિવ્ય ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ મળે. જિલ્લા વહીવટીતંત્ર અને SDRF દ્વારા અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે, અને ગંભીર રીતે ઘાયલોને AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, હું સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું.
આ પણ વાંચો: બસ્તર ઓલિમ્પિક મેડલ વિજેતા 14 વર્ષિય ફૈજલ વોર્મઅપ કરતા કરતા મેદાનમાં જ ઢળી પડ્યો, ડોક્ટરોએે મૃત જાહેર કર્યો












