અમારા ત્યાં પણ દરરોજ વિરોધ પ્રદર્શન થાય છે, માર્કો રૂબિયોનું પ્રોટેસ્ટને લઈને નિવેદન

Marco Rubio India Visit: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો હાલ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પત્રકારોએ તેમને ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સવાલ પૂછ્યો હતો. જોકે રૂબિયોએ આ મુદ્દે સીધી ટિપ્પણી કરવાને બદલે તેને ભારતનો આંતરિક રાજકીય મામલો ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે અને અહીં નિયમિત રીતે ચૂંટણીઓ યોજાય છે. તેથી તેઓ ભારતની આંતરિક રાજકીય બાબતોમાં કોઈ અભિપ્રાય આપવા માગતા નથી.
અમેરિકામાં પણ દરરોજ વિરોધ પ્રદર્શન થાય છે
મુંબઈમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન માર્કો રૂબિયોને ભારતમાં વિપક્ષ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા વિરોધ પ્રદર્શનો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે આ ભારતનો આંતરિક રાજકીય મામલો છે. ભારત એક લોકશાહી દેશ છે અને ત્યાં ચૂંટણીઓ થાય છે. તેથી હું તેમની આંતરિક રાજકીય બાબતો અંગે કોઈ અભિપ્રાય આપીશ નહીં. અમેરિકામાં પણ દરરોજ વિરોધ પ્રદર્શન થતા રહે છે. રૂબિયોએ વધુમાં જણાવ્યું કે શાંતિપૂર્ણ રીતે લોકો પોતાના વિચારો અને અસહમતિ વ્યક્ત કરે તે કોઈપણ દેશમાં રાજકીય ચર્ચા અને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ હોઈ શકે છે. જોકે, તેમણે હિંસક વિરોધ અને તોડફોડને તેનાથી અલગ ગણાવ્યાં હતાં.

પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો ભારતના ભોગે નહીં
ભારતની મુલાકાત દરમિયાન માર્કો રૂબિયોએ પાકિસ્તાન અને ચીન સાથે અમેરિકાના સંબંધોને લઈને પણ વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે દુનિયાના કોઈપણ દેશ સાથે અમેરિકાના સંબંધો ભારત સાથેના સંબંધોની કિંમત પર નહીં હોય. રૂબિયોએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત છે. બંને દેશો વેપાર, સંરક્ષણ અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની ભારત મુલાકાત અને દ્વિપક્ષીય વાટાઘાટો ભારત પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
પાકિસ્તાન સાથે સંબંધ રાખવા પાછળનું કારણ જણાવ્યું
પાકિસ્તાન સાથે અમેરિકાના વધતા સંબંધો અંગે માર્કો રૂબિયોએ જણાવ્યું કે વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચેના સંબંધો કેટલીક પરિસ્થિતિઓમાં સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેમના જણાવ્યા અનુસાર જો અમેરિકા પાકિસ્તાન પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને એવી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરી શકે જેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઊભો થાય, તો તે ઉપયોગી સાબિત થઈ શકે છે. રૂબિયોએ ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સાથે સંબંધો જાળવવાનો અર્થ ભારત સાથેના સંબંધોને નબળા પાડવાનો નથી.
ભારત-અમેરિકા વેપાર કરાર અંગે મોટી આશા
માર્કો રૂબિયોએ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટો અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના વેપાર કરારનું લગભગ 99 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી કેટલાક અઠવાડિયામાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા, ટેક્નોલોજી અને સુરક્ષા સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. રૂબિયોની ભારત મુલાકાતને આ સંબંધો વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ કરી વાત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે રૂબિયોએ સ્વીકાર્યું કે આ સંઘર્ષનો અંત લાવવો સરળ નથી. તેમણે જણાવ્યું કે જો આ યુદ્ધનો ઉકેલ સરળ હોત તો તે ઘણો સમય પહેલાં આવી ગયો હોત. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સાથે વૈશ્વિક સુરક્ષા, ઊર્જા અને રાજદ્વારી મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.












