SIR સામે દેશવ્યાપી વિસ્ફોટ: નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર અને પ્રકાશ રાજ એક જ મંચ પર!

Parakala Prabhakar Joins Anti SIR Protest: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે ચાલી રહેલું દેશવ્યાપી આંદોલન હવે વધુ આક્રમક બન્યું છે. ‘પીપલ્સ અગેઇન્સ્ટ SIR’ ગઠબંધન દ્વારા આગામી 23 ઓક્ટોબરના રોજ યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શનમાં નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને પ્રખ્યાત રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર, કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકે અને જાણીતા અભિનેતા-કાર્યકર પ્રકાશ રાજ એક જ મંચ શેર કરશે. આ પ્રદર્શનમાં SIR પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની મુખ્ય માંગ કરવામાં આવશે.
પરકલા પ્રભાકરે સોશિયલ મીડિયા પર આંદોલનમાં જોડાવા આહવાન કર્યું
કેન્દ્ર સરકાર અને ભાજપના કટ્ટર ટીકાકાર ગણાતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને નાગરિકોને 23 ઓક્ટોબર ના રોજ યોજાનારી માર્ચમાં જોડાવા અપીલ કરી છે. તેમણે લખ્યું કે, “દરેક શેરીમાં જંતર મંતર! શુક્રવાર, 23 ઓક્ટોબર, 2026. લોકશાહીની પુનઃસ્થાપના માટે પીપલ્સ માર્ચ. આવો, આ પડકારનો સામનો કરીએ.” આ પ્રદર્શનમાં AISA ના પ્રમુખ નેહા બોરા સહિત દેશભરના વિદ્યાર્થીઓ, દલિતો, ખેડૂતો અને વિવિધ વિરોધ પક્ષોના નેતાઓ પણ જોડાશે. આ અગાઉ પ્રભાકરે 8 ઓક્ટોબર ના રોજ બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે યોજાયેલા CJP ના વિરોધ પ્રદર્શનમાં યુટ્યુબર ધ્રુવ રાઠી અને પ્રકાશ રાજ સાથે ભાગ લીધો હતો.
કોણ છે નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર?
આંધ્રપ્રદેશના નરસાપુરમમાં જન્મેલા પરકલા પ્રભાકર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અભ્યાસ કરતી વખતે નિર્મલા સીતારમણને મળ્યા હતા અને 1986 માં બંનેએ લગ્ન કર્યા હતા. અલગ રાજકીય વિચારધારા ધરાવતા પ્રભાકરે પોતાના પુસ્તક ‘ધ ક્રુક્ડ ટિમ્બર ઓફ ન્યૂ ઈન્ડિયા’માં નોટબંધી જેવા સરકારી નિર્ણયોની આકરી ટીકા કરી છે તેમજ વધતી બેરોજગારી અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે 2009 માં ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીથી રાજકીય સફર શરૂ કરી હતી અને 2014 થી 2018 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના શાસનમાં સંચાર સલાહકાર તરીકે કામ કર્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મતદાર યાદીમાંથી નામો કમી કરવાનો આરોપ
14 ઓક્ટોબરના રોજ અસ્તિત્વમાં આવેલું “પીપલ્સ અગેઇન્સ્ટ SIR” ગઠબંધન વિદ્યાર્થીઓ, ખેડૂતો, આદિવાસીઓ અને લઘુમતી સમુદાયના સંસ્થાઓનું એક વ્યાપક પ્લેટફોર્મ છે. ગઠબંધને પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે SIR ની નવી પ્રક્રિયા હેઠળ જાણીજોઈને હાંસિયામાં ધકેલાયેલા અને ગરીબ વર્ગના મોટી સંખ્યામાં પાત્ર મતદારોના નામો ચેકી નાખવામાં આવ્યા છે. 23 ઓક્ટોબરના રોજ યોજાનારા આ મહાઆંદોલનથી દેશભરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
આ પણ વાંચો: CJPના આશુતોષ રાંકા અને સૌરવ દાસે અરજી પાછી ખેંચી, હાઈકોર્ટે ઝાટક્યા, બોન્ડ તોડીને જંતર-મંતર કેમ ગયા?












