અમિત મિશ્રાની દિલ્હી કેપિટલ્સમાં ભવ્ય વાપસી: IPL 2027 માટે નવી ભૂમિકામાં જોવા મળશે લેગ-સ્પિનર

Amit Mishra Returns To Delhi Capitals: IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે IPL 2027 ની આગામી સીઝન માટે ભારતના ભૂતપૂર્વ સ્ટાર લેગ-સ્પિનર અમિત મિશ્રાને પોતાના સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક સાથે જ મિશ્રા પોતાના હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યા છે, જ્યાંથી તેમણે પોતાની આઈપીએલ સફરની શરૂઆત કરી હતી. 43 વર્ષીય અમિત મિશ્રાએ સપ્ટેમ્બર 2025 માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, અને હવે તેઓ આઈપીએલના મંચ પર પ્રથમ વખત કોચિંગની જવાબદારી સંભાળતા જોવા મળશે.
કોચિંગ કારકિર્દીની શરૂઆત પર ભાવુક થયા મિશ્રા
ફ્રેન્ચાઇઝી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક ખાસ વીડિયોમાં ખુશી વ્યક્ત કરતા અમિત મિશ્રાએ કહ્યું, “હું મારી જાતને કોઈ દિગ્ગજ નથી કહેતો, પરંતુ મારી આઈપીએલ સીઝન ખૂબ જ સુંદર રહી છે. દિલ્હી મોટા હૃદયવાળા લોકોનું શહેર છે. જ્યારે આઈપીએલની પ્રથમ સીઝન શરૂ થઈ ત્યારે હું દિલ્હીનો જ ભાગ હતો. આજે જ્યારે હું મારી કોચિંગ કારકિર્દી શરૂ કરી રહ્યો છું ત્યારે પણ દિલ્હી ટીમ સાથે જ છું, જેનો મને ભારે આનંદ છે. વાઘ ક્યારેય શિકાર કરવાનું છોડતો નથી. દિલ્હી મારા હૃદયના ધબકારા છે અને અમે ચાહકોને ટ્રોફીનો આનંદ આપવાનો પૂરો પ્રયાસ કરીશું.”
IPL માં 3 હેટ્રિકનો આઈકોનિક રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સ હજુ પણ પોતાના પ્રથમ આઈપીએલ ટાઈટલની શોધમાં છે. ગત સીઝનમાં ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. અમિત મિશ્રાએ 2008 માં પોતાની આઈપીએલ કરિયરની શરૂઆત કરીને ડેબ્યૂ મેચમાં જ 5 વિકેટ ઝડપી હતી. ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા વતી રમતા મિશ્રાના નામે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ 3 હેટ્રિક લેવાનો અપ્રતિમ રેકોર્ડ નોંધાયેલો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
162 મેચમાં 174 વિકેટનો અનુભવ
પોતાના શાનદાર લેગ-બ્રેક અને ફ્લાઈટેડ સ્પિન માટે જાણીતા મિશ્રાએ 2008 થી 2024 (વર્ષ 2022 સિવાય) સુધીની દરેક આઈપીએલ સીઝનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ દિલ્હી ડેરડેવિલ્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ જેવી ફ્રેન્ચાઈઝીઓ તરફથી રમ્યા હતા. તેમણે 162 આઈપીએલ મેચોમાં 7.37 ની ઈકોનોમીથી 174 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેમણે 2003 થી 2017 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે 22 ટેસ્ટ, 36 ODI અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી હતી.
આ પણ વાંચો: રોહિત-કોહલીના વર્લ્ડ કપ રમવા પર BCCI પ્રમુખનું મોટું નિવેદન












