ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હોર્મુઝ બાદ હવે નવો રસ્તો પણ બંધ થયો, ભારત આવેલા રહેલા જહાજને યુ-ટર્ન લેવો પડ્યો

US Iran war: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં તણાવની આગ ભભૂકી રહી છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પછી હવે બાબ અલ-મંદેબ અને રેડ સીમાં નવો યુદ્ધ મોરચો ખુલી ગયો છે. ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ આપેલી ખુલ્લી ધમકીને કારણે ભારત અને ચીન તરફ જતા બે ક્રૂડ ઓઇલ ટેન્કર્સે માર્ગ બદલવો પડ્યો છે.

ટેન્કર્સને લાંબો રસ્તો કાપવો પડશે

સાઉદી અરેબિયાના યાનબૂ બંદરેથી ક્રૂડ ઓઇલ લોડ કરીને ભારત અને ચીન જતા આ બંને ટેન્કર્સે મૂળ યોજના મુજબ બાબ અલ-મંદેબ થઈને હિંદ મહાસાગરમાં પ્રવેશવાનું હતું. પરંતુ હુથી બળવાખોરો તરફથી હુમલાની ધમકી મળતાં બંને જહાજોએ યુ-ટર્ન લઈને સ્વેઝ નહેર તરફ વળી લીધું છે. આના કારણે તેમની મુસાફરીમાં ઘણો વધારો થશે અને ખર્ચ પણ વધશે.

હુથીઓએ સાઉદી અરેબિયા સામે નૌસૈનિક ઘેરાબંધીની જાહેરાત કરી છે. તેમણે શિપિંગ કંપનીઓને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સાઉદી ઓઇલ લોડ કે અનલોડ કરતા કોઈપણ જહાજ પર સીધો હુમલો કરવામાં આવશે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પહેલેથી જ બંધ

યુદ્ધને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પહેલેથી જ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયા માટે રેડ સી માર્ગ જ મુખ્ય વિકલ્પ બની ગયો હતો. યાનબૂ પાઈપલાઈન દ્વારા દરરોજ લાખો બેરલ તેલ આ જ માર્ગે મોકલવામાં આવતું હતું. હવે આ માર્ગ પર પણ ધમકી મંડરાતાં વૈશ્વિક તેલ પુરવઠા પર મોટી અસર પડવાની આશંકા છે.

ઓઇલના ભાવમાં તેજી

આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં 2%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 91 ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે, જ્યારે અમેરિકામાં ગેસોલીનની કિંમત 4 ડોલર પ્રતિ ગેલનથી ઉપર પહોંચી ગઈ છે.

ટ્રમ્પની સખત ચેતવણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે હુથી બળવાખોરોએ હજુ સુધી બાબ અલ-મંદેબનો માર્ગ સંપૂર્ણપણે બંધ કર્યો નથી, પરંતુ જો તેઓ આવું કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે એ પણ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 18 અમેરિકન સૈનિકો શહીદ થયા છે.

અમેરિકાનો સતત બોમ્બમારો

બીજી તરફ અમેરિકન સેનાએ સતત 11મી રાત્રે ઈરાન પર ભારે હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. તેહરાન સહિત ચાબહાર, કોનાર્ક અને બુશેહર (જ્યાં ઈરાનનો મુખ્ય પરમાણુ પ્લાન્ટ આવેલો છે)માં જોરદાર વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા છે.

ઈરાને પણ પ્રતિસાદ આપતાં બહેરીન, કુવૈત અને જોર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર હુમલા કર્યા છે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં એક ટેન્કરને નિશાન બનાવ્યું હતું.

વૈશ્વિક સ્તરે આ સ્થિતિ વધુ વકરે તો તેલના ભાવ, શિપિંગ અને આર્થિક સ્થિરતા પર ગંભીર અસર પડી શકે છે. ભારત સહિત અનેક દેશો આ વિકસતી સ્થિતિને ચીવટથી નજરે જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના બેહરામપુરામાં ગેંગવોર જેવી ઘટના, છરીના ઘા મારી યુવકની હત્યા કરી નાખી

Back to top button