એક મહિનાની શાંતિ બાદ મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની આગ, અમેરિકા-ઈરાન વચ્ચે મિસાઈલ-ડ્રોનથી હુમલા
Iran Israel Conflict: મિડલ ઈસ્ટમાં લગભગ એક મહિનાની શાંતિ બાદ ફરી એકવાર મોટા સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ઈરાનની અંદર આવેલા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCના ઠેકાણાઓ પર સતત બીજા દિવસે હુમલો કર્યો છે. તેના જવાબમાં ઈરાને જૉર્ડનમાં આવેલા પ્રિન્સ હસન એરબેઝ અને ત્યાં તૈનાત અમેરિકન મરીનના ઠેકાણાઓને બેલિસ્ટિક મિસાઈલોથી નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.
આ સાથે બહેરીનના શેખ ઈસા એરબેઝ પર પણ મોટા પાયે ડ્રોન હુમલો થયાના અહેવાલ સામે આવ્યા છે. બીજી તરફ કૂવૈતે પણ પોતાના વિસ્તારમાં ડ્રોન હુમલાના પ્રયાસોની પુષ્ટિ કરી છે. જૉર્ડનની સેનાના જણાવ્યા મુજબ તેની હવાઈ સુરક્ષા પ્રણાલીએ દેશની હવાઈ સીમામાં પ્રવેશેલી 13 બેલિસ્ટિક મિસાઈલોમાંથી 10 મિસાઈલને હવામાં જ તોડી પાડી હતી. બાકીની ત્રણ મિસાઈલ રહેણાંક વિસ્તારોથી દૂર ખુલ્લી જગ્યામાં પડી હોવાનું જણાવાયું છે. અત્યાર સુધી જૉર્ડનમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
IRGCનો અમેરિકન સૈનિકો માર્યા ગયાનો દાવો
IRGCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હુમલો કરનારા પક્ષને “પસ્તાવો થાય એવો જવાબ” આપવામાં આવ્યો છે. સંગઠને દાવો કર્યો છે કે તેના હુમલામાં મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જોકે અમેરિકાએ આ દાવાની પુષ્ટિ કરી નથી.
એક અમેરિકન અધિકારીએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOM તરફથી જાહેર કરવામાં આવેલી માહિતીમાં કોઈ અમેરિકન સૈનિકના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઈરાની મીડિયાના અહેવાલ મુજબ બહેરીનના એરબેઝ પર થયેલા હુમલામાં રડાર સિસ્ટમ અને અમેરિકન સૈનિકોની હાજરી ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જૉર્ડનના મફરક શહેરમાં સાયરન વાગ્યા હોવાના અને આકાશમાં રોકેટને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકથી શરૂ થયો નવો સંઘર્ષ
આ તાજેતરનો સૈન્ય ટકરાવ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાએ મંગળવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક આવેલા IRGCના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. CENTCOMના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ભારતીય સમય પ્રમાણે સાંજના સમયે શરૂ થઈ હતી.
અમેરિકાનો દાવો છે કે ઈરાન તરફથી કોમર્શિયલ જહાજો તેમજ વિસ્તારમાં તૈનાત અમેરિકન સૈનિકોને નિશાન બનાવવાના પ્રયાસોના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે ઈરાન દ્વારા હોર્મુઝ વિસ્તારમાં સમુદ્રી માઇન પાથરવાના કથિત નિષ્ફળ પ્રયાસ અને જૉર્ડનમાં અમેરિકન બેઝ પર મિસાઈલ હુમલાના જવાબમાં કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન ફરીથી હુમલો કરશે તો તેને વધુ કડક અને મોટા પાયે જવાબ આપવામાં આવશે. તેમણે એવો પણ સંકેત આપ્યો કે અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી અમેરિકાની સૌથી મોટી સંભવિત કાર્યવાહી નથી.
ઈરાનના અનેક શહેરોમાં ધડાકા
ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે કેશ્મ આઇલેન્ડ, બંદર અબ્બાસ, ચાબહાર, જાસ્ક, સિરિક, અસલુયેહ, કોનારક અને લાવન સહિત અનેક વિસ્તારોમાં ધડાકા સંભળાયા હતા. જિરોફ્ટ શહેરના એક નાગરિક એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સિરિક વિસ્તારમાં સૌથી ગંભીર ઘટના સામે આવી છે. ઈરાની રેડ ક્રિસેન્ટના જણાવ્યા પ્રમાણે એક મકાન પર થયેલા હુમલા સમયે ત્યાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ ઘટનામાં એક બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાનો અને 50થી વધુ લોકો ઘાયલ થયાનો દાવો કરવામાં આવ્યો છે.
ઈરાનની અમેરિકાને કડક ચેતવણી
ઈરાની નેતૃત્વ તરફથી હુમલાઓ બાદ કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વ તરફથી જાહેર કરાયેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ઈરાની સશસ્ત્ર દળો પાસે વોશિંગ્ટનને એવો પાઠ ભણાવવાની ક્ષમતા છે જેને લાંબા સમય સુધી ભૂલી શકાય નહીં.
IRGCએ ઉત્તર ઈરાકના ઇરબિલ પ્રાંતમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર પણ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યાનો દાવો કર્યો છે. સંગઠનના જણાવ્યા મુજબ હુમલામાં એક રિપેર સેન્ટર, ગોડાઉન અને અમેરિકન સર્વિલન્સ બલૂન સાથે જોડાયેલી ગાઇડન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જોકે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
ઓઈલ ટેન્કર પર હુમલા બાદ વધ્યો તણાવ
આ પહેલાં સોમવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા બે ઓઈલ ટેન્કર પર હુમલો થયો હતો. જુલાઈ બાદ આ પ્રકારની આ પ્રથમ મોટી ઘટના હોવાનું કહેવાય છે. હુમલાના અહેવાલ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વ માટે અત્યંત મહત્વનો સમુદ્રી વેપાર માર્ગ છે. વિશ્વમાં સમુદ્ર મારફતે થતા મોટા પ્રમાણના તેલ પરિવહનનો મહત્વનો હિસ્સો આ માર્ગમાંથી પસાર થાય છે. તેથી અહીં સર્જાતો કોઈપણ સૈન્ય સંઘર્ષ વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ, પરિવહન ખર્ચ અને વિશ્વ અર્થવ્યવસ્થાને સીધી અસર કરી શકે છે.
અહેવાલો મુજબ ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ બાદ ઈરાને હોર્મુઝ વિસ્તારમાં જહાજોની અવરજવર પર ભારે નિયંત્રણો મૂક્યા છે. તેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અંગે ચિંતા સતત વધી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
વાતચીતનો રસ્તો હજુ ખુલ્લો, પરંતુ શરતો પર મતભેદ
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સૈન્ય સંઘર્ષને બદલે વાતચીતથી ઉકેલ લાવવાની તરફેણ કરતા હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે ઈરાન તરફથી IRGC પર નિયંત્રણ અને આર્થિક વળતર સહિતની કેટલીક શરતો આગળ મૂકવામાં આવી રહી છે, જેને અમેરિકા સ્વીકારવા તૈયાર નથી.
હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધા હુમલા અને જવાબી હુમલાનો સિલસિલો શરૂ થતાં સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. જૉર્ડન, બહેરીન, કૂવૈત અને ઈરાક સુધી સંઘર્ષની અસર પહોંચતાં હવે સૌથી મોટી ચિંતા એ છે કે આ ટકરાવ મર્યાદિત રહેશે કે પછી સમગ્ર પ્રદેશને મોટા યુદ્ધ તરફ ધકેલશે.
આ પણ વાંચો: ‘દુષ્કર્મ પીડિતોને પણ જીવવાનો અધિકાર’ જૌહર સીનના વિવાદ પર સ્વરાનો વળતો જવાબ












