શહેરી બેરોજગારી વધીને 18.8 ટકા, કૃષિ ક્ષેત્રોમાં મહિલાઓની હિસ્સેદારી ઘટી

નવી દિલ્હી, 16 જુલાઇ, 2025: શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જૂન 2025માં વધીને 18.8 ટકાના સ્તરે સ્પર્શી ગયો છે. મેમાં તે 17.9 ટકાના સ્તરે હતો. ગ્રામિણ બેરોજગારી પણ 13.7 ટકાથી વધીને 13.8 ટકા પહોંચી ગયો છે. જોકે આ સમયગાળામાં સમગ્ર દેશમાં બેરોજગારી દર 5.6 ટકા પર સ્થિર રહ્યો હતો.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના માસિક સમયાંતરે શ્રમ બળ સર્વે (PLFS)ના ડેટા અનુસાર, ગયા મહિને મહિલાઓમાં બેરોજગારીનો દર ઘટીને 5.6 ટકા થયો છે, જે મે મહિનામાં 5.8 ટકા હતો. આ સમયગાળા દરમિયાન, કૃષિ ક્ષેત્રમાં ગ્રામીણ મહિલા કામદારોનો હિસ્સો મે મહિનામાં 70.2 ટકાથી ઘટીને 69.8 ટકા થયો છે.
વર્તમાન સાપ્તાહિક સ્થિતિ (CWS)માં એકત્રિત કરવામાં આવેલા તાજેતરના ડેટા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પુરુષો અને મહિલાઓ બંને માટે બેરોજગારીનો દર મે મહિનાની તુલનામાં ઘટ્યો છે. આનું મુખ્ય કારણ સ્વ-રોજગાર કામદારોના હિસ્સામાં વધારો અને બેરોજગાર વ્યક્તિઓની સંખ્યામાં થયેલો ઘટાડો છે. આ સર્વે દેશભરના 89,493 પરિવારોના 3,80,538 લોકો સાથેની વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આમાં ગ્રામીણ વિસ્તારોના 49,335 પરિવારો અને શહેરી વિસ્તારોના 40,158 પરિવારોનો સમાવેશ થાય છે.
15-29 વર્ષના લોકોમાં પણ બેરોજગારી વધી
સર્વે મુજબ, 15-29 વર્ષની વયજૂથના લોકોમાં બેરોજગારીનો દર મે મહિનામાં 15 ટકાથી વધીને 15.3 ટકા થયો છે. તે જ સમયે, 15-29 વર્ષની વયજૂથની મહિલાઓમાં પણ આ દર વધીને 17.4 ટકા થયો છે, જે મે મહિનામાં 16.3 ટકા હતો. આમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વયજૂથના પુરુષોમાં બેરોજગારીનો દર 14.7 ટકા હતો, જે મે મહિનામાં 14.5 ટકા કરતા વધારે છે. સર્વેમાં બહાર આવ્યું છે કે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓમાં શ્રમ બળ ભાગીદારી દર (LFPR) જૂનમાં ઘટીને 54.2 ટકા થયો છે. મે મહિનામાં તે 54.8 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ દર 56.1 અને શહેરોમાં 50.4 ટકા હતો.
કામચલાઉ કર્મચારીઓની ભરતીમાં 9.7 ટકાનો વધારો થયો છે
દેશમાં કાર્ય આધારિત ફિક્સ્ડ-ટર્મ અથવા કામચલાઉ નોકરીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષ 2024-25માં આ શ્રેણીના કર્મચારીઓની સંખ્યામાં 9.7 ટકાનો વધારો થયો છે. ભારતીય સ્ટાફિંગ ફેડરેશન (ISF)ના અહેવાલ મુજબ, વૈશ્વિક તણાવ અને વેપાર યુદ્ધ વચ્ચે સાવચેતીભર્યા વલણ છતાં ઉદ્યોગે 2024-25માં 1.39 લાખ નવા કામચલાઉ કર્મચારીઓ ઉમેર્યા હતા. ફેડરેશનના ઉપપ્રમુખ મનમીત સિંહે જણાવ્યું હતું કે, 2024-25ના ચોથા ક્વાર્ટરમાં માહિતી ટેકનોલોજી ક્ષેત્રમાં ભરતી ઉદ્યોગમાં 2.3 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચોઃ દર મહિને 50 હજાર રૂપિયાથી ઓછુ કમાનારા 93 ટકા લોકો ક્રેડિટ કાર્ડ પર નિર્ભર, સ્વરોજગારવાળા 85 ટકા












