ટ્રેન્ડિંગવર્લ્ડ

યુક્રેનનો રશિયા પર સૌથી મોટો ડ્રોન હુમલો, ભારતીયની ફેક્ટરીને નુકસાન; 6નાં મોત

Ukraine’s biggest drone attack:   યુક્રેને રવિવારે રશિયાના અનેક વિસ્તારોમાં સેકડો ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ હુમલાને યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના સૌથી મોટા હવાઈ હુમલાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

બીજી તરફ રશિયાએ પણ યુક્રેન પર જવાબી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલ સાથે જોડાયેલી આર્સેલરમિત્તલ કંપનીની એક ફેક્ટરીને નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રશિયાએ 822 યુક્રેની ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો

રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે રાત્રિ દરમિયાન તેણે યુક્રેનના 822 ડ્રોન નષ્ટ કર્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, લગભગ 600 ડ્રોન મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા.

તેમણે કહ્યું કે આમાંથી લગભગ એક તૃતીયાંશ ડ્રોનને મોસ્કો વિસ્તારમાં જ નષ્ટ કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે લગભગ ચાર વર્ષ થઈ ચૂક્યા છે.

રશિયાના જવાબી હુમલામાં યુક્રેનમાં પણ મોત

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયન મિસાઈલ હુમલામાં ક્રિવી રિહ શહેરમાં બે લોકોનાં મોત થયા અને 14 લોકો ઘાયલ થયા હતા.

સૂમી શહેરમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે દક્ષિણના ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં એક પુરુષ અને એક મહિલાના મોતની માહિતી સામે આવી છે.

ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયા પોતાની બેલિસ્ટિક મિસાઈલોની પહોંચમાં આવતા વિસ્તારોના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે.

લક્ષ્મી મિત્તલની કંપનીની સાઇટને નુકસાન

ભારતીય ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના ArcelorMittal Group સાથે જોડાયેલી એક સાઇટને રશિયન મિસાઈલ હુમલામાં નુકસાન થયું હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

કંપનીએ પણ સાઇટને નુકસાન પહોંચ્યાની પુષ્ટિ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. નુકસાન બાદ અહીં કામગીરી આંશિક રીતે રોકી દેવામાં આવી છે. જોકે, નુકસાનની ચોક્કસ માત્રા અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

રશિયાના અન્ય વિસ્તારોમાં પણ ડ્રોન હુમલા

યુક્રેનના હુમલાની અસર રશિયાના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. પોડોલ્સ્ક શહેરમાં ઓનલાઈન રિટેલ કંપની Wildberriesના એક વેરહાઉસમાં આગ લાગી હતી.

દક્ષિણ-પશ્ચિમ રશિયાના રોસ્ટોવ વિસ્તારમાં પણ ત્રણ શહેરોને ડ્રોન હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાદેશિક ગવર્નર યૂરી સ્લ્યુસરના જણાવ્યા અનુસાર, 150થી વધુ ડ્રોનના હુમલામાં પાંચ લોકોનાં મોત થયા હતા.

આ હુમલાઓમાં અનેક મકાનો અને એક રેલવે સ્ટેશનને પણ નુકસાન થયું હતું. જંગલ વિસ્તારમાં આગ લાગતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી.

રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલાઓ વધી રહ્યા છે, જેના કારણે નાગરિક વિસ્તારો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : હનીમૂનમાં દુલ્હનને પીરિયડ્સ આવ્યા, ભડકેલા વરરાજાએ મારપીટ કરી ગળું દબાવી દીધું

Back to top button