મમ્મી-પપ્પા, હું સપનાં પૂરા કરવા જઉં છું’: ક્રિકેટર બનવા ઘર છોડી ગયેલા સુરતના બે સગીર ભીલવાડાથી મળી આવ્યા

સુરત, 16 નવેમ્બર : ક્યારેક સપના પૂરા કરવાનો જુસ્સો અને ઉંમરની નાસમજ એટલી હાવી થઇ જાય છે કે યુવાનો એવા પગલાં ભરી લે છે, જે માતા-પિતાના પગ નીચેથી જમીન સરકાવી દે છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ‘ક્રિકેટર’ બનવાના સપનાને પૂરું કરવા બે સગીર મિત્રો ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. જોકે, સુરત પોલીસે ૯૩ જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસીને કરેલી તનતોડ મહેનત બાદ બંને બાળકોને રાજસ્થાનના ભીલવાડાથી સહીસલામત શોધી કઢાયા છે.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ૭ નવેમ્બરના રોજ થઈ. સુરતના મોરા ટેકરા ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા પરિવારનો ૧૬ વર્ષીય પુત્ર ‘વાળ કપાવવા જાઉં છું’ એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ઘણો સમય વીતી જવા છતાં તે પાછો ન ફરતા ચિંતિત પરિવારે સલૂન પર જઈને તપાસ કરી. ત્યાંથી જાણવા મળ્યું કે તે વાળ કપાવીને નીકળી ગયો હતો.
પરિવારની ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે સ્થાનિક સીસીટીવી ફૂટેજ તપાસતા સગીર ખભે બેગ લટકાવીને જતો જોવા મળ્યો. આ દરમિયાન, જ્યારે પરિવારે તેના સ્કૂલના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી કે તે મિત્ર પણ ઘરે હાજર નહોતો અને ગુમ હતો.
‘હું પાછો આવી જઈશ…’
આ શંકાસ્પદ ઘટનામાં મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે એક સગીરના ઘરેથી હિન્દીમાં લખેલી ચિઠ્ઠી મળી આવી. આ ચિઠ્ઠીમાં લખેલા શબ્દો કોઈપણ માતા-પિતાને હચમચાવી દે તેવા હતા. તેણે લખ્યું હતું કે, ‘Byy મમ્મી પાપા મેં જા રહા હું અપના સપનાં પૂરા કરને, આપ ચિંતા ના કરે, મેં વાપીસ આ જાઉંગા…..’ (બાય મમ્મી-પપ્પા, હું મારું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું, તમે ચિંતા ન કરો, હું પાછો આવી જઈશ…).
પરિવારને તરત જ ખ્યાલ આવી ગયો કે આ કયું સપનું હતું. બંને મિત્રો અવારનવાર ક્રિકેટની વાતો કરતા હતા અને મોટો ક્રિકેટર બનવાના સપના જોતા હતા.
પોલીસનું ઓપરેશન: ૯૩ CCTV અને ભીલવાડા
પરિવારે તાત્કાલિક સમગ્ર મામલાની જાણ પોલીસને કરી. સગીરોનો મામલો હોવાથી પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસ શરૂ કરી. પોલીસે સુરત રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોના કુલ ૯૩ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા.
આ સઘન તપાસમાં પોલીસને બાળકોનો રૂટ ટ્રેસ કરવામાં સફળતા મળી. ફૂટેજ પરથી જાણવા મળ્યું કે બંને મિત્રો સુરતથી ટ્રેનમાં બેસીને મુંબઈ-બોરીવલી પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે રાજસ્થાન જતી બીજી ટ્રેન પકડી અને છેક ભીલવાડા સુધી પહોંચી ગયા. સુરત પોલીસે તાત્કાલિક ભીલવાડા પોલીસનો સંપર્ક કરી બંને સગીરોને સહીસલામત શોધી કાઢ્યા. બાળકો મળી આવતા જ પરિવારોએ રાહતનો શ્વાસ લીધો અને પોલીસનો આભાર માન્યો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












