સિંગાપુરમાં ભારતીય યુવકોનું શરમજનક કૃત્ય: સેક્સ વર્કર્સને લૂંટી, કોર્ટે ફટકારી 12 કોરડાની સજા ને પછી…

સિંગાપુર, તા. 4 ઓક્ટોબર, 2025: ભારતના બે યુવકો સિંગાપુર ફરવા ગયા હતા, પરંતુ ત્યાં તેમણે એવી હરકત કરી કે દેશની ઈજ્જત તો ગઈ જ, સાથે જ તેમને લાંબી જેલની સજા પણ થઈ હતી. 23 વર્ષનો અરોકિયાસામી ડાઈસોન અને 27 વર્ષનો રાજેન્દ્રન એપ્રિલ 2025માં રજાઓ ગાળવા સિંગાપુર ગયા હતા. ત્યાં ગયા પછી, તેમણે સેક્સ સર્વિસ આપતી મહિલાઓને લૂંટશે તેવી યોજના બનાવી હતી. આ માટે તેમને એક નંબર મળ્યો. બે દિવસ પછી, તેમણે પોતાની યોજના પર અમલ કર્યો.
બે હોટલમાં લૂંટફાટ અને હુમલો
પ્રથમ ઘટના: તેઓ એક મહિલાને હોટલના રૂમમાં મળ્યા. ત્યાં તેમણે મહિલાને બાંધી દીધી, માર માર્યો અને પછી તેના રોકડ પૈસા, ઘરેણાં, પાસપોર્ટ અને બેંક કાર્ડ ચોરી લીધા હતા.
બીજી ઘટના: તે જ રાત્રે, તેમણે બીજી એક હોટલમાં અન્ય મહિલા સાથે પણ આવું જ કર્યું. ત્યાંથી રોકડ, મોબાઈલ ફોન અને પાસપોર્ટ લઈ ગયા અને મહિલાને ધમકી પણ આપી.
સિંગાપુરની કોર્ટે સંભળાવી આકરી સજા
પીડિત મહિલાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે તરત જ બંને યુવકોની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે આર્થિક તંગીના કારણે તેમણે આ લૂંટ કરી હતી. જોકે, સિંગાપુરની કોર્ટે તેમની આ દલીલને ધ્યાનમાં ન લીધી અને આકરો ચુકાદો આપ્યો હતો. બંને આરોપીઓને 5 વર્ષ અને 1 મહિનાની સખત જેલની સજા ફટકારી હતી. ઉપરાંત 12 કોરડા મારવાની સજા પણ ફટકારવામાં આવી હતી.
આ સજા પરથી ફરી એકવાર સાબિત થાય છે કે સિંગાપુરના કાયદા કેટલા કડક છે અને ગુનાઓ પ્રત્યે તેમની નીતિ ઝીરો ટોલરન્સની છે.












