ટ્રેન્ડિંગનેશનલ

ત્રિપુરાના DGP અનુરાગ ધનખડ પોલીસ મુખ્યાલયમાં મૃત હાલતમાં મળ્યા, સર્વિસ પિસ્તોલથી આત્મહત્યાની આશંકા

અગરતલા: ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનખડ સોમવારે રાજ્યના પોલીસ મુખ્યાલયમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેમણે પોતાની સર્વિસ પિસ્તોલથી ગોળી મારી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ ગઈ છે.

માહિતી અનુસાર ગોળી વાગ્યા બાદ અનુરાગ ધનખડને તાત્કાલિક અગરતલાની ગોવિંદ બલ્લભ પંત (GB) હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અનુરાગ ધનખડ 1994 બેચના IPS અધિકારી હતા અને તેમણે વર્ષ 2025માં ત્રિપુરાના DGP તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી હતા.

હાલમાં તેમણે આ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે ઘટના અંગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને ફોરેન્સિક સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ શબાના આઝમીની અપીલ બાદ દિપકેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી, સરકાર વાતચીત માટે થઈ તૈયારઃ CJPનો દાવો
Back to top button