અમદાવાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, તા. 13 ઓગસ્ટ, 2025: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું.
રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ-ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘ભવ.ય તિરંગા યાત્રા’ને તિરંગો લહેરાવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલ, સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્યપ્રધાન સહિત મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.
આ અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે, આજે આ અભિયાન સૌ માટે પ્રેરણાદાઈ બન્યું છે. સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દેખાડ્યું છે, તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે. વડાપ્રધાનનું સ્પષ્ટ માનવું છે કે, તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા, આજે આપણે તિરંગો ફરકાવીને આઝાદીના ૧૦૦મા વર્ષે વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યબદ્ધ અને સંકલ્પબદ્ધ થવાનું છે.
આ અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા અંગે કર્તવ્યબદ્ધ થવા આહ્વાન કર્યું છે. રાજ્ય સરકાર હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાને સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે.
વડાપ્રધાનના લોકલ ફોર વોકલ અભિયાન અંગે વાત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાડે છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ કોઈ દેશવાસીઓને સ્વદેશી વસ્તુ અપનાવવા અને લોકલ ફોર વોકલનો પણ મંત્ર આપ્યો છે. સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ તિરંગા યાત્રા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી શિવ નારાયણ સોસાયટી વિભાગ ૦૧ થઇ, શિવાજીનગર, અમરાજીનગર ગલી નંબર ૦૪ અને ૦૫, અમરાજીનગર ગલી નંબર ૦૩, વિદ્યાનગર, સાવધાનનગર, રવિ રો-હાઉસ, રબારી વાસ, અરવિંદનગર થઇ રામેશ્વર સર્કલ પાસે સમાપન થયું હતું.
આ તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના બાળકો તેમજ શિક્ષકો ૨૧૫૧ ફૂટ લાબા તિરંગા સાથે નીકળ્યા હતા, જેનાથી આ તિરંગા યાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો.
આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રૂપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા.
આ તિરંગા યાત્રામાં ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી તિરંગા યાત્રા રૂટ પરના તમામ માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.
આ પણ વાંચોઃ તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી, ૫,૯૧,૫૦૦ નો દંડ












