કચ્છના પાણીમાં તરતા ખારઇ ઊંટ લુપ્ત થવાની કગાર ઉપર : વાંચો ચેરિયાના વિનાશની વાત

- ચેરિયા જંગલોનું નિકંદન અને ઉદ્યોગીકરણનું વરવું પાસુ
- NGTની 9મી જુલાઇએ ત્રીજી સુનાવણી
ભુજ, 01 જુલાઇ 2025: Kachchh Sea area ગુજરાતમાં સૌથી વધુ દરિયાકાંઠો ધરાવતા કચ્છ જિલ્લામાં જૈવ અને વનસંપદા પણ વિશાળ છે અને તેમાં પાણીમાં તરી શકતા ઊંટનો પણ સમાવેશ થાય છે. દરિયાકાંઠે વસતા અને ચેરિયા (Mangroves) જેનો મુખ્ય ખોરાક રહે છે તેવા ખારઇ ઊંટની જાતિ આગામી વર્ષોમાં લુપ્ત થવાની કગાર ઉપર છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી દ્વારા આ મામલે બે સુનાવણી થઇ છે અને ત્રીજી સુનાવણી નવમી જુલાઇએ થવાની છે. દરમિયાન કાંઠા વિસ્તારમાં જંગલ નિકંદન અને ઉદ્યોગીકરણના લીધે ચેરિયાનો વિનાશ યથાવત સમાન રહ્યો છે. આ મામલે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને ચેરિયા બચાવીને ખારઇ ઊંટ બચાવવા માટે પણ ધા નાખી છે.
એનજીટીના આદેશો છતાં ચિરયાનો નાશ
કચ્છમાં ચેરીયાનો નાશ ન થાય તે પ્રકારે 2019 અને 2020ના એનજીટીના આદેશો છતાં પણ કાંઠા પર ચેરિયાનો નાશ થતો હોવાની હકીકત યથાવત હોવાથી વિરોધ ઉભો થયો છે. 2018માં, કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને મૂળ અરજી નં. OA 111/2018 અને 2020માં અમલ અરજી નં. 12/2020 દાખલ કરી હતી, જેમાં ભચાઉ અને વોંધ વિસ્તારમાં CRZ-IA સુરક્ષિત વિસ્તારોમાં ગેરકાયદે કુદરતી પાણીનું વહેણ પાળા બાંધીને રોકવા અંગે અને ચેરીયાના નિકંદન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
નમકના કારખાનાઓના વિસ્તરણ ઉપર પણ રોકનો આદેશ
2019માં NGT દ્વારા આ ગેરકાયદે પ્રવૃતિઓ રોકવા માટેના આદેશ, જળપ્રવાહ પુનઃસ્થાપિત કરવાનો અને નમકના કારખાનાઓના વિસ્તરણ પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. છતાં આદેશોને અવગણતાં, વિસ્તારમાં ઘનઘોર ઉલ્લંઘનો થઈ રહ્યા છે. અમારા ઊંટો મરી રહ્યાં છે. ચેરીયા કે જેમાં તેઓ ચરે છે, તે નાશ પામી ચૂક્યું છે. સરકાર રક્ષણ આપવાની વાત કરે છે પણ અમે હજુ રાહ જ જોઈ રહ્યાં છીએ એમ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પૂર્વપ્રમુખ ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું.
ચેરિયાનો જંગલ વિસ્તાર ઘટ્યો અને નમકના કારખાનાઓનો વિસ્તાર વધ્યો
- ચેરીયાના જંગલનો વિસ્તાર 2018ના 4,084 હેકટરમાંથી ઘટીને 2023માં માત્ર 1,312 હે. રહ્યો
- નમક ઉત્પાદનનો વિસ્તાર 2018ના 13,681 હેક્ટરમાંથી વધીને 2023માં 17,918 હે. થયો
- 2018ની સંયુક્ત તપાસ રિપોર્ટ(CPCB અને GPCB) અનુસાર 750 એકર જેટલા ચેરીયાનો વિનાશ નોંધાયો
- જુલાઈ 2023ના પ્રાંત અધિકારી- ભચાઉના નિરીક્ષણ રિપોર્ટઅનુસાર: ○ મોટાપાયે બંધબાંધણીથી જળપ્રવાહ અવરોધિત
- ભારે મશીનરીથી ચેરીયાનું ધરતીમાંથી ઉખેડણી અને દહન
- પાતાળ જીવો જેવા કે કરચલા અને લેવટા નાશ પામ્યા
- ઓછામાં ઓછા 14 ઉલ્લંખનકારી મીઠાંના કારખાનાઓ કાર્યરત
- CRZ-I A વિસ્તારમાં પ્રવૃત્તિઓ સીધા CRZ જાહેરનામું 2011, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અને NGTના આદેશનું ઉલ્લંઘન
શું છે ટ્રિબ્યુનલ સમક્ષ માંગણીઓ?
- CRZ-IA વિસ્તારમાં આપેલા મીઠાના લીઝ તાત્કાલિક રદ કરો
- લીઝધારકો અને દિનદયાલ પોર્ટટ્રસ્ટ (DPT) સામે કાર્યવાહી થાય
- ચેરિયા પુનઃસ્થાપન અને જળપ્રવાહ પુનઃપ્રવર્તન માટે સમયમર્યાદિત યોજના
- સંયુક્ત મોનિટરિંગ કમિટીની રચના, જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન(KUUMS), દિનદયાલ પોર્ટટ્રસ્ટ (DPT)ના પ્રતિનિધિઓ હોય
- નિયુક્ત વકીલ કે જે ટ્રીબ્યુનલના આદેશોનું પાલન સુનિશ્ચિત કરે
આ પણ વાંચો: શું કૂતરા પણ થશે હવે સિંગલમાંથી મિંગલ? ડેટિંગ એપ પર શોધશે તેમના પાર્ટનર
આ પણ વાંચો:Tanvi The Great ફિલ્મના ટ્રેલરને શાહરૂખ અને અનિલે વખાણ્યું, અનુપમ ખેરને આપી દિલથી શુભેચ્છાઓ












