સિતારે જમીન પર ફિલ્મ આ પ્લેટફોર્મ પર કરશે રિલીઝ, માત્ર 100 રૂપિયામાં અહીં જુઓ

HD ન્યૂઝ, 30 જુલાઈ, 2025: સુપરસ્ટાર આમિર ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી, પરંતુ આમિર ખાને પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી કે તે તેમની ફિલ્મ કોઈપણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ નહીં કરે. પણ હવે અભિનેતાએ જણાવ્યુ કે તે તેની આ ફિલ્મ ક્યાં રિલીજ કરશે.
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ સિતારે જમીન પર થિયેટરોમાં જોઈ શક્યા નથી, તો હવે તમારી પાસે આ ફિલ્મ ઘરે બેઠા જોવાની તક છે. હા, આમિર ખાને ભલે સિતારે જમીનની OTT રિલીઝ માટેનો સોદો નકારી કાઢ્યો હોય, પરંતુ તમે હજુ પણ આ શાનદાર ફિલ્મ ઘરે બેઠા જોઈ શકો છો. થિયેટર રિલીઝ પછી હવે આમિર ખાને OTT ને બદલે YouTube પર ‘સિતારે જમીન પર’ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે અને તે પણ 1 ઓગસ્ટે.આમિર ખાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સિતારે જમીન પર ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
થિયેટરોમાં ભારે હોબાળો મચાવ્યા પછી ‘સિતારે જમીન પર’ 1 ઓગસ્ટ, 2025 થી YouTube પર ડિજિટલ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. જેમણે આ પારિવારિક ડ્રામા ફિલ્મ મોટા પડદા પર જોઈ નથી તેઓ તેને તેમના ઉપકરણો પર જોઈ શકશે, પરંતુ એક શરત છે. જો દર્શકો આમિર ખાન અભિનીત આ ફિલ્મ YouTube પર જોવા માંગતા હોય, તો તેમણે તેના માટે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ફિલ્મ YouTube પર ભાડા પર ઉપલબ્ધ થશે, જેના માટે દર્શકોએ આ રકમ ચૂકવવી પડશે.
આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સિતારે જમીન પર’ને રિલીઝ સમયે દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. 2018 ની સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ ની સત્તાવાર રિમેક, આ બોલિવૂડ ફિલ્મ એક સસ્પેન્ડેડ બાસ્કેટબોલ કોચની વાર્તા પર આધારિત છે જે એક ટુર્નામેન્ટ માટે અપંગ બાસ્કેટબોલ ખેલાડીઓની ટીમને મદદ કરીને સમુદાય સેવા કરે છે. આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, આ પછી પણ આમિર ખાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે આ ફિલ્મ OTT પર રિલીઝ નહીં કરે.
ફિલ્મ ‘સિતારે જમીન પર’ 1 ઓગસ્ટ, 2025 થી ભારતમાં YouTube પર 100 રૂપિયામાં સ્ટ્રીમ થશે. આ ફિલ્મ 38 આંતરરાષ્ટ્રીય બજારોમાં જોવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, સ્પેન વગેરેનો સમાવેશ થાય છે, અને દરેક બજાર માટે સ્થાનિક કિંમત નક્કી કરવામાં આવશે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 60 વર્ષીય અભિનેતાએ કહ્યું કે તેમનું સ્વપ્ન છે કે સિનેમા દરેક વ્યક્તિ સુધી વાજબી અને સસ્તા ભાવે પહોંચે.












